બિગ બીએ કહ્યું- હા, હું ચેરિટી કરું છું, પરંતુ કહેતો નથી

  • 8:51 am May 12, 2021

અમિતાભ બચ્ચન પોતાની ટીકાથી ઘણાં જ નારાજ છે. કોવિડ ૧૯ દરમિયાન અમિતાભ બચ્ચને ડોનેશનની યાદી શૅર કરી છે. તેમણે અનેક સંસ્થા, હોસ્પિટલમાં દાન આપ્યું છે. આ લિસ્ટ શૅર કરતાં સમયે તેમને ઘણી જ શરમ આવે છે, પરંતુ આમ કરવા પાછળનું મોટું કારણ પણ બતાવ્યું છે. બિગ બીએ કહ્યું હતું કે તેમને રોજ મળતી ગાળો તથા અપમાનજનક ટિપ્પણીઓની ગંદકીનો સામનો કરવાને બદલે આ લિસ્ટ પહેલાં જ શૅર કરી દેવાની જરૂર હતી. અમિતાભે કહ્યું હતું કે તેમણે ૧૫ કરોડ જેટલી રકમ ડોનેટ કરી છે.

અમિતાભે પોતાના બ્લોગમા દિલ્હીમાં એક કોવિડ કૅર ફેસિટિલટીને આપેલા ૨ કરોડ રૂપિયાના ડોનેશનનો પણ ઉલ્લેખ કર્યો છે.

અમિતાભે કહ્યું હતું, 'હા હું ચેરિટી કરું છું, પરંતુ ક્યારેય આ વાત કોઈને કહેવી જરૂરી લાગી નહીં. આ બહુ જ શરમજનક છે. પરંતુ મારા માટે આજે આ વાત બતાવવી પ્રાસંગિક બની ગઈ છે. રોજ ગાળો, ભદ્દી કમેન્ટની ગંદકી પર મારું તથા મારા પરિવારનું ક્યારેય ધ્યાન ગયું નહોતું. સમજદારી આ જ છે કે આ તો થતું રહે છે. આથી તમારું કામ કરતા રહો. કોઈને કહો નહીં, માત્ર મેળવનારને ખબર હતી અને વાત ત્યાં જ પૂરી થઈ જતી હતી.'