જામનગર જિલ્લા જેલમાંથી બે મોબાઈલ મળી આવ્યા

  • 4:54 pm March 10, 2022

જામનગર જિલ્લા જેલમાં દર વખતે ચેકીંગ દરમિયાન પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળતી આવી છે. અમદાવાદ જેલ પ્રશાસને વધુ એક વખત ચેકીંગ હાથ ધરી જામનગર જિલ્લા જેલમાંથી બે મોબાઈલ પકડી પાડ્યા છે. જાે કે બંને મોબાઈલ બિનવારસી હાલતમાં મળી આવતાં અજાણ્યા કેદી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગર જિલ્લા જેલ વધુ એક વખત ચર્ચાનું કારણ બની છે. આ વખતે બેરેકમાંથી પ્રતિબંધિત મોબાઈલ મળી આવ્યા છે. ઝડતી સ્કવોડ જેલર જિલ્લા જેલર, અધિક પોલીસ મહાનિર્દેશક અને જેલ સુધારાત્મક વહીવટી વિભાગની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં યાર્ડ નંબર-૦૫માંથી રોલ્ટેલ કંપનીનો મોબાઇલ જેનો આઈએમઇઆઈ નં. ૧-૯૧૧૬૧૭૪૦૪૧૫૯૩૮૫ ૨,૧૧૬૧૭૪૦૪૧૫૯૩૯૩ તથા સેમસંગ કંપનીનો મોબાઇલ જેનો કી-પાસવર્ડ લોક હોવાથી તેમજ પાછળનું સ્ટીકર ઘસી નાખેલું હોવાથી આઇ.એમ.ઈ.આઈ. નંબર જાણી શકાયો નહોતો. આ બે મોબાઈલ કબ્જે કરી જેલ પ્રશાસનના દેવશીભાઇ રણમલભાઇ કરંગીયાએ અજાણ્યા કેદી સામે સિટી એ ડિવિઝન પોલીસ દફ્તરમાં ફરિયાદ નોંધાવી હતી. જેલના પ્રતિબંધીત વિસ્તારમાં કોઇએ અનધિકૃતરીતે ગેરકાયદેસર મોબાઇલ પહોંચાડ્યો હોવાના આરોપ સાથે સિટી એ ડિવિઝન પોલિસે તપાસ હાથ ધરી છે.