વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો

  • 4:59 pm May 30, 2022

વિદ્યાર્થીઓ કોઈપણ ધ્યેય નક્કી કરી  તેને લક્ષ્યાંક બનાવી આગળ વધેઃ 
                                  
શ્રીમતિ કે.કે.કદમ કન્યા વિદ્યાલય વ્યારા મુકામે આજરોજ ગુજરાત માધ્યમિક,ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર,જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે 'જિલ્લા કક્ષા કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એમ.ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
           

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એમ.ચૌધરીએ વિદ્યાર્થીઓને 'નવી દિશા નવું ફલક' અંતર્ગત કારકિર્દીનું માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે કોઈપણ ક્ષેત્રમાં જવા માટે વિદ્યાર્થીએ ધ્યેય નક્કી કરવો પડે છે. પછી એ ક્ષેત્રમાં આગળ વધવા માટે સખત મહેનત કરવી જોઈએ. ચોક્કસ લક્ષ્યાંકને આંબવા માટે કરેલો પુરૂષાર્થ કદી એળે જતો નથી. રાજ્ય સરકાર દ્વારા બાયસેગના માધ્યમથી ધો.૧૦ અને ૧૨ પછી કયા કયા પ્રવાહમાં આગળ જઈ શકાય તે માટે ઓનલાઈન વેબસાઈટની માહિતીનો ઉપયોગ કરવા શિક્ષણાધિકારીશ્રી ચૌધરીએ અનુરોધ કર્યો હતો.
           

મુખ્ય વક્તા ચેતનભાઈ ભીમાણીએ પારંપારિક વિષયોથી લઇને ટેકનોલોજી સુધીના જ્ઞાનની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે કોરોનાના કપરા કાળમાં ઉદ્યોગો સહિત ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા હતા. પરંતુ આઈ.ટી.ક્ષેત્ર અને મેડીકલ તેમજ એનીમલ હસબન્ડરી ચાલુ જ રહ્યા હતા. આમ સમયની સાથે ચાલીએ તો ટેકનોલોજીના સમન્વયથી આપણે કેવી રીતે આગળ વધી શકીએ અને આપણે કયા ક્ષેત્રમાં કઈ જરૂરિયાત છે. તે ધ્યાને લઈને આપણી કારકિર્દીમાં આગળ જઇ શકીએ છીએ. ધોરણ-૧૦ અને ૧૨ પછી આવેલ માર્કસને આાધારે આપણે અભ્યાસની પસંદગી કરી શકીએ છીએ. પરીક્ષાના પરિણામથી ક્યારેય નાસીપાસ થશો નહીં. જે વિષયોમાં વધુ રસ પડે તેમાં હિંમતભેર આગળ વધવા તજજ્ઞ ભીમાણીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
             

તાપી જિલ્લામાં છેવાડાના લોકો સુધી કારકિર્દી માર્ગદર્શન મળી રહે તે માટે તમામ તાલુકાઓમાં પણ આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઇ પોતાની કારકિર્દીનું ઘડતર કરે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. વિદ્યાર્થીઓમાં કારકિર્દીના ઘડતર માટે પ્રથમવાર સુગ્રથિત સ્વરૂપે પ્રયાસ કરવામાં આવ્યો છે.
         

આ સેમીનારમાં મદદનીશ પશુપાલન નિયામક ડો.બ્રીજેશ શાહ,પોલીટેકનીક આચાર્યા રૂપલ મર્ચન્ટ, ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યા શિલ્પાબેન ચૌધરી,સહાયક માહિતી નિયામક નિનેશકુમાર ભાભોર, કે.કે.કદમ કન્યાશાળા આચાર્યા સંગીતા ચૌધરી,નિકુલ સિંગ ચૌહાણ પોલિટેકનીક એગ્રીકલ્ચર નવસારી યુનિવર્સીટીના આચાર્યા શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.