દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • 5:27 pm May 30, 2022

મયુર રાઠોડ 

દાહોદ જિલ્લાના ૪ બાળકોને સીધી સહાય સાથે કિટનું વિતરણ કરાયું

દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના કોરોનાના સમયગાળા દરમિયાન માતા પિતાની છત્રછાયા ગુમાવનારા ૪ બાળકોના ખાતામાં ડીબીટીના માધ્યમથી પ્રધાનમંત્રીએ  નાણાકીય સહાય ટ્રાન્સફર કરી હતી.

કાર્યક્રમમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા પોલીસ અધિક્ષક  બલરામ મીણા, નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, અગ્રણી શંકર અમલીયાર, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્ર સોની, અગ્રણી  કનૈયાલાલ કિશોરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. પદાધિકારીઓ તેમજ અધિકારીઓએ બાળકો સાથે મુલાકાત કરી હતી અને તેમને મળતા યોજનાકીય લાભો વિશે પુચ્છા કરી હતી. તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. 

  આ કાર્યક્રમનું વર્ચ્યુઅલી આયોજન ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાના સમયગાળા દરમિયાન જે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી તે બાળકોને પીએમ કેયર્સ ફંડ હેઠળ સહાય આપવાની જાહેરાત ૨૯મે, ૨૦૨૧ના રોજ કરી હતી. પીએમ કેયર્સ ફોર ચિલ઼્ડ્રન યોજના અન્વયે બાળકોને આત્મનિર્ભર બનાવવા માટે ૧૮થી ૨૩ વર્ષ સુધી માસિક સ્ટાઈપેન્ડ રૂ. ૪૦૦૦ લેખે વાર્ષિક રૂ.૪૮,૦૦૦ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત, જ્યારે બાળકની ઉંમર ૨૩ વર્ષ થશે ત્યારે સરકાર દ્વારા રૂ.૧૦ લાખ આપવામાં આવશે. 

બાળકોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ અંતર્ગત એક્સ ગ્રેટીયા મુજબ રૂ. ૫૦ હજારની આર્થિક સહાય કરાઇ છે. તદ્દઉપરાંત આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત બાળકો રૂ. ૫ લાખનો આરોગ્ય વીમો કરવામા આવ્યો હતો.