પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રાજસ્થાનના રાજ્યપાલશ્રી કલરાજ મિશ્રાએ પરિવાર સાથે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી

  • 4:30 pm May 31, 2022

રિપોર્ટર-જીતેન્દ્ર સોલંકી

શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એવા વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે રાજસ્થાનના રાજ્યપાલશ્રી કલરાજ મિશ્રાએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કરી માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. માં અંબાના દર્શન માટે અંબાજી પધારેલા રાજ્યપાલશ્રીનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલે માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતુ.                                  રાજસ્થાનના રાજ્યપાલશ્રી કલરાજ મિશ્રાએ તેમના ધર્મપત્ની શ્રીમતી સત્યવતી મિશ્રા સાથે અંબાજી મંદિરના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે માતાજીની પૂજા-અર્ચના કરી હતી. રાજ્યપાલશ્રીને અંબાજી મંદિરના પુજારીએ માતાજીની ચુંદડી ઓઢાડી બહુમાન કર્યું હતુ. દર્શન બાદ માતાજીની ગાદી ઉપર પણ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. 
           

માતાજીના દર્શનથી ભાવવિભોર બનેલા રાજ્યપાલશ્રીએ પોતાને અને પરિવારજનોને સૌભાગ્યશાળી ગણાવી માતાના દર્શનની અભિલાષા પુરી થઈ હોવાનું જણાવ્યું હતુ. તેમણે યાત્રિકો માટેની વ્યવસ્થાની પ્રશંશા કરી તેને વધુ સુવિધાજનક બનાવવા જણાવ્યું હતું. તેની સાથે કોરોનાની મહામારીનો વિનાશ થાય અને રાજ્ય તેમજ દેશ આરોગ્યની સુખાકારી ભોગવે અને પ્રગતિના પથ પર જાય એવી માતાજીને પ્રાર્થના કરી હતી તેમજ વ્યક્તિગત રીતે માતાજી પોતાને દેશસેવા માટે સામ્યર્થવાન બનાવે એવા માતાજી પાસે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
         

આ પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદારશ્રી આર.કે.પટેલ, પાલનપુર પ્રાંત અધિકારીશ્રી એસ.પી.પરમાર, મામલતદારશ્રી એ.એમ.સોલંકી સહિતના અધિકારીઓ- પદાધિકારીઓએ પુષ્પગુચ્છથી રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યું હતું. તેમની મુલાકાત પ્રસંગે રાજસ્થાન એરફોર્સ એ.ડી.સી રાહુલ ભાર્ગવ, પ્રિન્સિપલ સેક્રેટરી સુબિર કુમાર સહિતના રાજસ્થાન રાજ્યના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.