સાયણ કોળી પટેલ સમાજનું અનોખું સ્નેહમિલન : દીકરીઓ અને વડીલો ઉપર પુષ્પવર્ષા

  • 4:51 pm May 31, 2022

-રાકેશ પટેલ

પેટા- આકાશને આંબનારી યુવા પાઇલોટ મૈત્રી પટેલ, યોગ ક્ષેત્રે ગોલ્ડ મેડલ મેળવનાર કિશન પટેલ સહિત સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન

ઓલપાડ-ઓલપાડ તાલુકાના સાયણ ગામે આવેલા માલીબા ફામ હાઉસમાં સાયણ કોળી સમાજનો ત્રીજો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજમાં ઊંચેરી સિદ્ધિ હાંસલ કરનાર સમાજની દીકરીઓ અને દીકરાઓ તેમજ વડીલો ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે સાયણના કોળી પટેલ સમાજના પ્રમુખ દિપક પટેલે જણાવ્યું હતું કે, સામાજિક સંબંધોનું માળખું એટલે સમાજ. કોઈપણ સમાજના અસ્તિત્વ માટે એકરાગીતા જરૂરી છે. અસંગઠિત સમાજ કોઈ દિવસ મજબૂત બની શકતો નથી. આજે સમય બદલાયો છે અને લોકોની વિચારસરણી બદલાઇ છે. રાજકીય ક્ષેત્રે પણ કોળી સમાજ આગળ આવી રહ્યો છે. ત્યારે પરસ્પર એક રહીશું તો કોળી સમાજ વધુ ઊંચેરી સિદ્ધિ હાંસલ કરીશું. તેમણે સમાજજીવન વિશે પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, સમૂહ લગ્ન એ હવે જરૂરિયાત બની ગઈ છે. મધ્યમવર્ગીય પરિવારોએ દેવું કરીને મોંઘાદાટ ખર્ચા કરવા કરતાં સમૂહ લગ્નમાં જોડાવવું જોઇએ. આપણી જીવનશૈલી બદલાઇ છે, પરંતુ આપણે સંસ્કૃતિનાં મૂલ્યોનું પણ જતન કરવાનું છે. ભપકાદાર લગ્ન પાછળ કરાતા ખર્ચાને બદલે દીકરા અને દીકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે હવે આપણે વિચારવું પડશે.

આ કાર્યના પ્રારંભ પૂર્વે મૂળ શેરડી ગામની અને યુવા પાયલોટની સિદ્ધિ મેળવનાર કોળી પટેલ સમાજની ગૌરવવંતી દીકરી મૈત્રી પટેલ, યોગાસન ક્ષેત્રે ગોલ્ડ મેડલ મેળવનાર શેરડી ગામના કિશન પટેલ,દોડવીર અસ્મિતા પટેલ,નાની વયે કલાસ વન ઓફિસર તેજસ પટેલ નું ફૂલોથી વેલકમ કરવામાં આવ્યું હતું. એ બાદ નારી તું નારાયણી ઉક્તિને સાર્થક કરતાં સમાજની દીકરીઓ, બહેનો તથા માનવંતા વડીલો ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

આ પ્રસંગે આકાશને આંબનારી યુવા પાઇલોટ મૈત્રી પટેલ, યોગ ક્ષેત્રે ગોલ્ડ મેડલ મેળવનાર કિશન પટેલ, યુવા દોડવીર અસ્મિતા પટેલ,નાની વયે કલાસ વન ઓફિસર બનનાર તેજસ પટેલ તથાં  તબીબો સહિત સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સાયણ કોળી પટેલ સમાજના કમિટી સભ્યો અને યુવા ટીમે સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ઓલપાડની ગોલા પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશ પટેલ તથા સાયણ માધ્યમિક શાળાના શિક્ષક મનોજભાઈ એ કર્યુ હતું.