વડોદરાના જુના પાદરા રોડ પર વહેલી સવારે રોડ ક્રોસ કરતી મહિલાને મોટરસાયકલ ચાલકે અડફેટમાં લીધી; બંનેનું સ્થળ પર કરુણ મોત..

  • 5:24 pm March 17, 2023
રિપોર્ટર- સિકંદર પઠાણ

 

બંનેના મૃતદેહોને 108 એમ્બ્યુલન્સ બોલાવીને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા

શહેરના જુના પાદરા રોડ ઉપર વહેલી સવારે દૂધ લેવા નીકળેલી મહિલાને રોડ ક્રોસ કરતી વેળા એક મોટરસાયકલ ચાલકે અડફેટમાં લીધી હતી. આ ઘટનામાં મહિલા તેમજ બાઈક ચાલકનું બંનેનું સ્થળ પર કરુણ મોત નિપજ્યુ હતું.  આ બનાવને પગલે વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા લોકો પહોંચી ગયા હતા.  અને બંનેના મૃતદેહોને 108 એમ્બ્યુલન્સ બોલાવીને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.મળેલી માહિતી પ્રમાણે વડોદરા શહેરના જુના પાદરા રોડ ઉપર રહેતા મંજુલાબેન ભીખાભાઇ પટેલ નામની મહિલા દૂધ લેવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન મહિલા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે  અક્ષર ચોક તરફથી મોટર સાયકલ લઈને પુરપાટ આવી રહેલા બાઇક ચાલકે મહિલાને અડફેટમાં લીધી હતી. જેમાં મહિલાનું સ્થળ પર કરુણ મોત નીપજ્યું  હતું. તે સાથે મોટરસાયકલ ચાલક રોડ ઉપર પટકાતા તેનું પણ સ્થળ પર મોત નીપજ્યું હતું.

વહેલી સવારે આ ઘટના બનતાની સાથે જ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. અને બંને મૃતદેહોને સયાજી હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા. તે સાથે સોસાયટીના લોકો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.આ ઘટના બનતા મોર્નિંગ વોકમાં નિકળેલા સુભાષભાઈએ ઘટના અંગે જણાવ્યું હતું કે, મંજુલાબેન પટેલ અમારી સોસાયટીની બાજુમાં આવેલી સોસાયટીમાં એક પરિવારની સાથે રહેતા હતા. સવારે 6 વાગે તેઓ દૂધ લેવા માટે નિકળ્યા હતા. ત્યારે અક્ષર ચોક તરફથી પુરપાટ આવી રહેલા બાઇક ચાલકે તેઓને અડફેટમાં લીધા હતા. જેમાં તેમનું સ્થળ ઉપર કરુણ મોત નિપજ્યું હતું. સાથે બાઇક ચાલક આશરે 10થી 12 ફૂટ જેટલો હવામાં ફંગોળાઇ ડિવાઇડર પર પટકાતાં યુવાનનું પણ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ બાઇકચાલક કોલાબેરા નામની કંપની કંપનીમાં નોકરી કરતો રાઘવ નામનો યુવક હોવાનું જાણવા મળ્યું છે.જુના પાદરા રોડ વિસ્તારમાં અરેરાટી ફેલાવી દેનાર આ બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.