ધરમ કરતા ધાડ પડી: ઉછીના આપેલા પૈસા લેવા જતાં માર માર્યો

  • 6:06 pm March 19, 2023
રિપોર્ટર- જાકીર મેમણ‌‌‌

 

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર બસસ્ટેન્ડ સામે આવેલ વણઝારા વાસમાં ઉછીના આપેલા રૂા. ૪ લાખ પરત માંગવા માટે ઘરે બોલાવાયેલા ઈસમ પર શુક્રવારે ત્રણ જણાએ ગેરકાયદે મંડળી રચી જાતિ વિરૂધ્ધ ઉચ્ચારણો કરી અપમાનિત કર્યા બાદ ત્રણેય જણાએ ઈસમનો રૂા. ૧૦ હજારનો મોબાઈલ તથા રૂા.૮ હજારની રોકડની લૂંટ કરી જાનથી મારી નાંખવાની ધમકી અપાયાની ફરિયાદ શુક્રવારે હિંમતનગર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.

આ અંગે બેરણાના યતિનકુમાર ધર્માભાઈ વણકરે નોધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેઓ સિધ્ધરાજસિંહ પદમસિંહ રહેવરના ત્યાં નોકરી કરતા હતા. દ૨મ્યાન સિધ્ધરાજસિહ પાસેથી આજથી ચારેક માસ પહેલા રૂા. ૪ લાખ હાથ ઉછીના લીધા હતા. જેનો વાયદો પુરો થયો હોવા છતાં પૈસા પરત ન આપતા સિધ્ધરાજસિંહએ ક્વાલકુમાર લાલજી વણઝારાને કહ્યું હતુ કે તમો ચાર માસમાં પૈસા આપી શક્યા નથી તો હવે કેવી રીતે આપશો તેમ કહેતા કૃણાલ વણઝારાએ કહ્યું હતુ કે હું મારી મમ્મીને વાત કરું તેવું જણાવ્યું હતુ.

જેથી સિધ્ધરાજસિંહએ કહ્યું હતુ કે તારી મમ્મીને અહીંયા બોલાવ તેમ કહી ફોન કરવા કહ્યું હતુ દરમ્યાન લક્ષ્મીબેન વણઝારાએ એવુ જણાવ્યું હતુ કે હું ત્યાં એકલી નહી આવુ, મારા દિકરાને મોકલો તો તેની સાથે આવીશ તેમ કહેતા કૃણાલ વણઝારા અને લક્ષ્મીબેનને લેવા માટે તિનકુમાર વણકર ગયા હતા. દરમ્યાન ગમે તે કારણસર કૃણાલ વણઝારા, લેક્ષ્મીબેન તથા પ્રકાશ નામના એક શખ્સ એકસંપ થઈ આવી લક્ષ્મીબેને યતિનકુમારને અપમાનિત કરી જાતિ વિરૂધ્ધ ઉચ્ચારણો કર્યા હતા તથા કૃણાલ અને પ્રકાશે ગડદાપાટુનો માર મારી ભગવતીબેનનું ઉપરાણું લઈ યતિનકુમાર પાસેથી રૂા. ૧૦ હજારનો મોબાઈલ અને રૂા. ૮ હજાર રોકડા લૂંટી લીધા હતા, અને કહ્યું હતુ કે અહીંયા ફરી જોવા મળીશ તો જાનથી મારી નાંખીશું તેમ કહ્યું હતુ. જેથી યતિનકુમા૨ વણકરે ત્રણેય વિરૂધ્ધ એટ્રોસીટી એક્ટના ભંગ બદલ શુક્રવારે બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.