નવસારીના સિંધી કેમ્પમાંથી પોલીસે પ્રતિબંધિત સિગરેટના હોલસેલ વેપારીની ધરપકડ કરી..

  • 5:53 pm March 20, 2023
રિપોર્ટર- એજાજ શેખ

 

 

વિદેશી પ્રતિબંધિત અને હેલ્થની વોર્નિંગ ન આપતી સિગારેટનો જથ્થો પણ ઝડપી પાડ્યો છે. 2,930 પેકેટ મળીને કુલ 6,17,800નો મુદ્દામાલ પોલીસે કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભારત સરકાર દ્વારા ધુમ્રપાનને કારણે કેન્સર જેવી ભયંકર બીમારીઓ થઈ રહી છે. ત્યારે આજનું યુવાધન ધુમ્રપાનથી દુર રહે તે હેતુસર સરકાર દ્વારા જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. તો બીજી તરફ ધૂમ્રપાન માટે વપરાતી સિગારેટોના પેકેટ પર પણ હેલ્થ વોર્નિંગ સિગારેટથી થતી બીમારીઓના ફોટાઓ સહિત જાહેરાત છાપવામાં આવે છે. જેથી કરીને લોકો ધૂમ્રપાન કરવાનું ટાળે, પરંતુ કેટલાક લોકો ઓછી મહેનતે ઝાઝા રૂપિયા કમાવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોય છે. ત્યારે નવસારી શહેરના સિંધી કેમ્પ વિસ્તારમાંથી પોલીસે હોલસેલની દુકાનમાંથી પ્રતિબંધિત હેલ્થ વોર્નિંગ ન આપતી સિગારેટનો જથ્થો પકડી પાડ્યો છે.

નવસારી શહેરના ટેકનીકલ હાઈસ્કૂલથી સિંધી કેમ્પ માર્ગ પર આવેલા આશિષ ટ્રેડર્સ નામની દુકાનના વેપારી આશિષ મકનાની છેલ્લા 5 વર્ષથી ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત અને હેલ્થ વોર્નિંગ ન આપતી છ અલગ અલગ બ્રાન્ડની સિગારેટનું વેચાણ કરવામાં આવતું હતું. પોલીસ દ્વારા અહીં દરોડા કરતા 2,930 પેકેટ મળીને કુલ 6,17,800 નો મુદ્દામાલ SOG એ કબ્જે કર્યો છે. પોલીસે વેપારી વિરુદ્ધ ધી સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ 2003 મુજબ ગુનો નોંધી ટાઉન પોલીસને આરોપી સોંપવામાં આવ્યો છે.

નાયબ પોલીસ અધિક્ષક એસ.કે રાય જણાવ્યું હતું કે, SOG ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નવસારીના સિંધી કેમ્પ વિસ્તારમાં આશિષ ટ્રેડર્સ નામની દુકાનમાં હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટનું વેચાણ કરવામાં આવે છે. તેથી ત્યાં દરોડા કરતા મોટી સંખ્યામાં વિદેશી કંપનીની હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીને પકડી અધર સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ 2003 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ નવસારી ટાઉન પોલીસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વિદેશી કંપનીઓની ધારા ધોરણ વગરની સિગરેટ ભારતીય માર્કેટમાં ઘુસાડીને વેચવામાં આવે છે. આ સિગારેટ પર કોઈપણ જાતની હેલ્થ વોર્નિંગ જેવી સૂચનાઓ કે જાહેરાતો છાપવામાં આવતી નથી. આ સિગારેટો ભારતમાં વેચાતી સિગારેટ કરતા સસ્તી હોવાથી ગ્રાહકો ખરીદે છે. જેમાં ખાસ કરીને આજનો યુવા વર્ગ મોટી સંખ્યામાં આનો ઉપયોગ કરી બીમારીઓને નોતરે છે. ત્યારે આ પ્રકારની માહિતી પોલીસને મળતા તેઓએ કાયદાકીય કાર્યવાહી કરે છે.