સુરત-ઓલપાડ વચ્ચે સરોલી ફ્લાય ઓવર બ્રિજ સાથે સુરત-ઓલપાડ સીટી બસ સેવા પણ શરૂ..

  • 5:53 pm March 20, 2023
રિપોર્ટર- એજાજ શેખ]

 

સુરત ઓલપાડ વચ્ચે 32 કરોડના ખર્ચે બનેલો સરોલી રેલ્વે ઓવર બ્રિજનું ગઈકાલે લોકાર્પણ કર્યા બાદ આજથી સીટી બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે.

આઠ મહિના પહેલાં બ્રિજમાં ભંગાણ પડ્યું હતું ત્યારે પાલિકા સંચાલિત સીટી બસ સેવા બંધ કરી દેવામા આવી હતી. એસટીની બસની સંખ્યા મર્યાદિત હોવાથી કેટલાક રીક્ષા ચાલકોએ મુસાફરોને રીતસર લુંટ્યા હતા તે દુષણ પણ સીટી બસ સેવા સાથે બંધ થશે. 

સુરત ઓલપાડ વચ્ચે 1990 માં બનેલો સરોલી રેલવે ઓવરબ્રિજનો એક તરફનો હિસ્સો 18 ઓગસ્ટના રોજ બેસી જતાં તે દિવસથી પાલિકા સંચાલિત સીટી બસનો ઓલપાડ સુરતનો રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઓલપાડ-સુરત વચ્ચે દોડતી સીટી બસ 108 નંબર થી દોડતી હતી અને આ વિસ્તારના રહીશોને અવર જવર માટે આર્શીવાદ રૂપે હતી. પરંતુ બ્રિજ બેસી ગયાં બાદ વાયા જોથાણનો રૂટ શરૂ થતાં સીટી બસ સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બ્રિજ બેસી ગયાના આઠ મહિના બાદ પાલિકાએ નવો બનાવેલો 3 લેનનો બ્રિજ ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ હાજરી સાથે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગઈકાલે બ્રિજ ખુલ્લો મુકાવવાની સાથે જઓલપાડ-સુરતનો 108નો રૂટ પણ શરૂ કરી દેવામા આવ્યો છે તેના કારણે ઓલપાડ-સુરત વચ્ચે અપડાઉન કરતા લોકો માટે મોટી રાહત થઈ છે. 

આ બસ સેવા બંધ હતી ત્યારે રામનગર થી ઓલપાડ સુધી ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરીને રીક્ષા દોડતી હતી. મુસાફરો પાસે કોઈ વિકલ્પ ન હોવાથી રીક્ષા ચાલકો ભારે દાદાગીરી કરતા અને વધુ ભાડું પડાવતા હતા અને મુસાફરોને ઘેટા બકરાની જેમ ભરતા હતા. મુસાફરો મજબુર હોવાથી આવી રીતે મુસાફરી કરતા હતા પરંતુ હવે ફરીથી સીટી બસ સેવા શરૂ થતાં ગેરકાયદે દોડતી રીક્ષા અને માથાભારે રીક્ષા ચાલકોની દાદાગીરીથી મુસાફરોને છુટકારો મળશે તે નક્કી છે.