પાટણ પંથકના અગરિયાઓ દ્વારા પકવવામાં આવેલ મીઠું માવઠામાં રોળાયુ: ઝુંપડાઓ પણ જમીન દોસ્ત થતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા..

  • 6:02 pm March 20, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

સાંતલપુર તાલુકાના રણમાં મીઠું પકવતા અગરિયાઓની હાલત કફોડી

સરકાર દ્વારા નુકસાનીનો સર્વે હાથ ધરી વળતર ચૂકવવામાં આવે તેવી અગરિયા પરિવારોની માંગ

પાટણ જિલ્લાના રાધનપુર પંથક ના રણપ્રદેશમાં મીઠું પકવી પોતાના જીવન નિર્વાહ ચલાવતા અગરિયા પરિવારોને તાજેતરમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ  મુશ્કેલીમાં મૂક્યા હતા. ત્યારબાદ શનિવારે પડેલા કમોસમી માવઠાને લઈને અગરિયાઓ દ્વારા પકવવામાં આવેલ મીઠું પણ પલળી જતા અને તેઓના છાપરાઓ પણ જમીન દોષ થતા અગરિયા પરિવારને પડતા ઉપર પાટા જેવી પરિસ્થિતિ નું નિર્માણ થવા પામ્યું છે.

ત્યારે સરકાર દ્વારા મીઠું પકવતા અગરિયા પરિવાર ના નુકસાની નું સર્વે હાથ ધરી વળતર ચૂકવવામાં આવે તે માંગ અગરિયા પરિવારોમાં ઊઠવા પામી છે. અને આ બાબતે અગરીયા પરિવારોએ તંત્રને લેખિત રજૂઆત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

રાધનપુર પંથક ના રણ પ્રદેશ વિસ્તારમાં મીઠા પકવવાના વ્યવસાય સાથે સંકળાયેલા આગરીયા પરિવારોએ તંત્રને આપેલ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમો અગરિયા પરિવારો છેલ્લા 40 એક વર્ષથી આ રણ વિસ્તારમાં મીઠું પકવી અમારા પરિવારજનોનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં સૌપ્રથમવાર ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ એનકેન પ્રકારે અમો અગરિયા પરિવારને પરેશાન કર્યા હતા. તો શનિવારે પડેલા કમોસમી માવઠાને કારણે મહા મુસીબતે પકવવામાં આવેલ મીઠું પણ પલળી જતા અગરિયા પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે.  પરિવારને અનેક યાતનાઓ ભોગવી પડતી હોય છે. ત્યારે અગરિયા પરિવારોની મુશ્કેલીને નિવારવા અને માવઠાના કારણે થયેલ નુકસાનીનું વળતર ચૂકવવા તંત્ર દ્વારા સર્વે હાથ ધરી અગરિયા પરિવારોની મુશ્કેલીમાં સહભાગી બનવા રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.