કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને થયેલ નુકસાન સામે ખેડૂતોને સહાય ચૂકવવાની માગ કરાઈ..

  • 6:04 pm March 20, 2023
રિપોર્ટર- મૌલિક દોશી

 

અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે સરકાર ખેડૂતોને મદદ કરે તેવી રાજુલાના ધારાસભ્ય દ્વારા માગ કરવામાં આવી છે. આ મામલે તેમણે મુખ્યમંત્રીને મળી રજૂઆત કરવાનો પણ નિર્ણય કર્યો છે. જિલ્લામાં ફાગણમાં અષાઢી માહોલ જોવા મળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. કરા અને ભારે પવન સાથે વરસાદ વરસતા પાકને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની આશ રાખીને બેઠા છે. એવામાં રાજુલાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને મળી ખેડૂતોને મદદ મળે તે માટે રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, મારા વિસ્તારના લોકો અને ખેડૂતો દ્વારા ગઈકાલે મને રજૂઆતો મળી છે. કમોસમીના કારણે ઘણું બધું નુકસાન ગયું છે. મુખ્યમંત્રીને આજે રૂબરૂ મળીને રજુઆત કરવાનો છું. ખેડૂતોને ઝડપથી ન્યાય મળે તેવા પ્રયત્ન કરીશુ..