વડોદરામાં "એક ભારત-શ્રેષ્ઠ ભારત" થીમ પર હસ્તકલા હાટ યોજાયું: ગુજરાત સહિત સમગ્ર દેશના ૧૦ રાજ્યોના કલાકારોએ ભાગ લીધો..

  • 6:15 pm March 20, 2023
રિપોર્ટર- સિકંદર પઠાણ

 

વડોદરા શહેરના પારસી અગિયારી મેદાન ખાતે ઈન્ડેક્સટ - સી, ગાંધીનગર દ્વારા ૩ દિવસીય પ્રદર્શન, જીવંત નિદર્શન સહિત વેચાણ અર્થે હસ્તકલા હાટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી અનેક વિવિધતા સભર કલાકારીનું નિદર્શન સહ પ્રદર્શન સાથે વેચાણ માટે પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં અસમ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા તેમજ ગુજરાતના કલાકારો દ્વારા અનેકાવિધ કારીગરાઈ જીવંત થવા પામી હતી અને ઘણી કલાઓને પ્લેટફોર્મ મળ્યું હતું.

ગુજરાત રાજયની કલાકારીની વાત કરીએ તો આ હાટમાં છોટાઉદેપુર જિલ્લાના રાઠવા અર્ચના કે જેઓ પોતે ગાંધીનગર ખાતે આઈ. ટી. એન્જીનીયરિંગ ડિપ્લોમા કરેલા હોવા છતાં તેમનું કહેવું છે કે, " મારે નોકરી કરવી નથી પરંતુ વરલી વર્ક કરવું અને અન્યને શીખવવું એ મારો શોખ છે. હું અમારી આદિવાસી સંસ્કૃતિને સાચવવા માટે થઈને આ વરલી વર્ક છેલ્લાં ૯ વર્ષથી કરું છું.ઓનલાઇન વેચાણ પણ કરું છું.અને અન્યને શીખવું પણ છું." વરલી વર્કના વિશે પુછતાં તેમણે જણાવ્યું હતું કે, "  કોઈપણ આદિવાસી વિસ્તારમાં વરલી વર્કની મહતા વધી જાય છે, કારણ કે, ગામમાં ઘરોની દીવાલો પર આ વર્ક કરવામાં આવે જે આદિવાસી સંસ્કૃતિનો જ એક ભાગ છે. દીવાલ પર છાણ અને માટી મિક્સ કરીને દીવાલ પર લીંપણ કરવામાં આવે છે. પછી તેની ઉપર ચોખા વાટીને ગુંદર અને દૂધમાં મિક્ષ કર્યા પછી તેમાંથી સફેદ રંગ બનાવવામાં આવે છે. આમ આ રંગ વડે વરલી વર્ક કરવામાં આવે છે.આ વર્ક થકી એક પેઇન્ટિંગ પાછળ અમને ૪ થી ૫ હજાર મળી રહે છે.હવે શહેરી લોકો તેમજ હોટેલોમાં પણ આ વર્કની માંગ વધી હોવાથી ઓનલાઇન અમને આવક સંતોષકારક મળી રહે છે.

અફઝલ હક્ક નામના ૨૩ વર્ષીય કલાકાર કે જેઓ કેન અને વાંસમાંથી કેટલીયે વિવિધ વસ્તુઓ પોતાની જાતે અને હાથ વડે જ બનાવે છે. તેઓ ફકત Cane & Bamboo ની વસ્તુઓ બનાવે છે જેમાં ગ્લાસ, કપ, પાણીની બોટલ, મોબાઈલ-પેન સ્ટેન્ડ, બકેટ, ટ્રે, લેમ્પ, લેડીઝ કટલરી, ફ્લાવર પોટ, ખુરશી અને સ્ટુલ જેવી ઘણીયે એવી વસ્તુઓ બનાવે છે જેમાં એમના પરિવારનો પૂરો સપોર્ટ ઉપરાંત સરકાર દ્વારા ૬ લાખની સહાય પણ મળી છે. ફકત ધોરણ ૯ સુધીનો અભ્યાસ કરેલ અફઝલ હક્કના જણાવ્યા મુજબ, " સરકારી સહાય દ્વારા લોન મળ્યા પછી અમને કામ કરવામાં ઉત્સાહ અને આવક વધી ગયા છે.અહીં વડોદરામાં આવ્યા પછી અમને આ ૩ દિવસ દરમ્યાન લગભગ ૮૦ થી ૮૫ હજારનું વેચાણ થયું છે. જે ખરેખર અમારા માટે આનંદની વાત છે. અમારી વસ્તુઓની કિંમત વધુ હોવા છતાં કલાપ્રેમીઓ ખરીદે છે.વડોદરામાં કલાને પ્રાથમિકતા અપાય છે એ અમે અહીં આવીને અનુભવ્યું છે. વડોદરાના લોકોનો ખુબ ખુબ આભાર. "