આધારકાર્ડ અને પાનકાર્ડમાં જન્મ તારીખ, નામ સહિતની ભુલો સુધારવા અરજદારોને ધરમના ખાવા પડે છે ધક્કા..

  • 8:16 pm March 21, 2023
તસ્વીર- ધવલ વાજા, ભાવનગર

 

સરકાર દ્વારા આધારકાર્ડ સાથે ફરજિયાત પાનકાર્ડ લિંક કરવાનું નિયમ બનાવવામાં આવ્યો છે પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લાંબી કતારો અને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં લોકોને પડતી મુશ્કેલી અંગે રોષ વ્યક્ત કર્યો હતો.

સરકાર દ્વારા આધાર કાર્ડ સાથે ફરજિયાત પાનકાર્ડ લિંક કરાવવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. જે અંગે છેલ્લી તારીખ 31 માર્ચ આપવામાં આવી છે. ત્યારે આધારકાર્ડ પાનકાર્ડ લિંક કરાવવા માટે તમામ સેન્ટરો પર સવારથી જ લાંબી લાઈનો લાગે છે. અને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ જ્યારે વારો આવે ત્યારે આધારકાર્ડ અને પાનકાર્ડમાં કોઈના કોઈ ભૂલ નીકળે જેને લઇને લોકોને ખૂબ જ હેરાન થવું પડે છે. અને યોગ્ય માર્ગદર્શન નહીં મળતા લોકો મુશ્કેલીમાં મુકાય છે. ભાવનગર શહેરના આતાભાઈ ચોક ખાતે આવેલી બેંકમાં લોકોની મોટી લાઈનો જોવા મળી હતી.

31 માર્ચ સુધીમાં જે લોકોના આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક નહીં હોય તેવા લોકોના બેન્ક એકાઉન્ટ સ્થગિત કરાશે આ ઉપરાંત ડીમેટ એકાઉન્ટમાં પણ તકલીફ પડનાર હોય લોકો પોતાના પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે દોડધામ મચાવી રહ્યા છે. હાલમાં સુધારા વધારા કે લિંક કરવા માટે રૂપિયા 1000 ચલણ રૂપે ભરવાના હોય છે અને પાનકાર્ડના અને આધારકાર્ડમાં લિંક કરાવવાના રૂપિયા 150 થી 250 સુધીનો ખર્ચ મળી કુલ 1250નો ખર્ચ લોકો લાઈનમાં ઊભા રહીને કરી રહ્યા છે.

આના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે બેન્કોમાં પણ જન્મ તારીખ, નામ, સરનામા સહિતની ભૂલો સુધારવા માટે વરિષ્ઠ નાગરિકોની લાઈનો લાગી રહી છે. અને બેંકોમાં પણ જન્મ તારીખનો અસલ દાખલો માંગતા હોવાના કારણે 50 - 60 વર્ષ પૂર્વેનો જન્મ તારીખનો દાખલો ક્યાંથી કાઢવો તેવી વાતથી વરિષ્ઠ નાગરિકો મૂંઝવણમાં મુકાયા છે અને જ્યાં લોકો દ્વારા હેરાનગતિ થતી હોવા અંગે રોષ ઠાલવ્યો હતો.