પાદરા તાલુકામાં MGVCLના દરોડા: ચાર જેટલા ગામોમાં વહેલી સવારે ચેકિંગ...

  • 8:32 pm March 21, 2023
પ્રકાશ ચોહાણ

 

હળવા દબાણની વીજ લાઈન માંથી ચોરી કરતા 13 લોકો સામે કાર્યવાહી...

વાયરો થાંભલા ઉપર નાંખી વીજ ચોરી, ઝડપાયેલા સામે પોલીસ ફરિયાદ કરાશે

વહેલી સવારે આંતિ, સાધી, રણુ અને વડદલા ગામોમાં પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડ્યા

- MGVCLની ટીમો દ્વારા સામુહિક દરોડા પાડતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વિવિધ ગામોમાં વ્યાપક પણે થઇ રહેલી વીજ ચોરીના પગલે પાદરા MGVCLની ટીમોએ વહેલી સવારે આંતિ, સાધી, રણુ અને વડદલા ગામોમાં પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડ્યા હતા. અને 13 વીજ ચોરી પકડી રૂપિયા 4 લાખનો દંડ વસુલ કર્યો હતો. MGVCLની ટીમો દ્વારા ચાર ગામોમાં સામુહિક દરોડા પાડતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તે સાથે આસપાસના ગામોમાં ચકચાર મચી ગઇ હતી.મળતી માહિતી મુજબ, પાદરા તાલુકામાં વીજ કંપનીના વિભાગ-2માં આવતા જે. જી. વાય મહુવડ ફીડરના ચાર ગામોમાં એમજીવીસીએલના અધિકારીઓ તથા વિજિલન્સ અને પાદરા પોલીસ દ્વારા વહેલી સવારે ચાર જેટલા ગામોમાં વીજ ચોરી ઝડપી પાડવા માટે સંયુક્ત સઘન ચેકિંગ હાથ ધરીને દરોડા પાડવામાં આવ્યા હતા

MGVCLની હેડ ઓફિસ તેમજ ગોત્રી સર્કલ ઓફિસના માર્ગદર્શન મુજબ પાદરા વિભાગ 2 માં આવતા મહુવડના જે.જી.વાય ફીડર માં આવતા આંતિ, સાધી, રણુ અને વડદલા ગામમાં વીજ કંપનીના અધિકારીઓ, વિજિલન્સની ટીમો તથા પાદરા પોલીસ દ્વારા રેડ પાડવામાં આવતા, વીજ કંપનીની હળવા દબાણની વીજ લાઇનમાં લંગરિયા નાખી ડાયરેકટ કરી વીજ ચોરી કરતા આંતી ગામમાંથી 10 ગ્રાહકો અને સાધી ગામમાંથી 3 ગ્રાહકો મળી કુલ 13 ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. MGVCLના દરોડામાં હેડ ઓફિસ તેમજ વડું, પાદરા, મુવાલ, જામ્બુવા સહિતના વીજ કંપનીનો સ્ટાફ પણ જોડયો હતો. ઝડપાયેલા 13 ગ્રાહકો સામે વીજ કંપની દ્વારા પોલીસ કાર્યવાહી ની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આજે સવારે વીજ કંપની દ્વારા દરોડા પાડવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી.MGVCના જુનિયર એન્જિનિયર એસ. કે. પટેલે જણાવ્યું હતું કે, આજે પાદરા, સાવલી, મંજુસર વીજ કચેરીઓ દ્વારા વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાદરા દ્વારા 4 ટીમો બનાવી ચાર ગામમાં પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 13 લોકોને વીજ ચોરી કરતાં ઝડપી પાડવામાં આવ્યા હતા. વીજ ચોરી અલગથી વીજ વાયરો નાખી ચોરી કરવામાં આવતી હતી. વીજ કરતાં ઝડપાયેલાઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.