વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે આવેલી હોસ્પિટલમાંથી 35 હજારની રોકડની ચોરી કરનાર ચોરની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી..

  • 8:34 pm March 21, 2023
રિપોર્ટર- સિકંદર પઠાણ

 

સયાજીગંજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી

વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે આવેલી પંડ્યા આઇ હોસ્પિટલમાંથી 35 હજારની રોકડની ચોરી કરનાર ચોરની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી છે. આ મામલે ડો. નિષીધકુમાર પંડ્યાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વડોદરાના ન્યુ સમા રોડ પર ચાણક્યપુરી ચાર રસ્તા પાસે આવેલી ચૈતન્યધામ સોસાયટીમાં રહેતા નિષીધકુમાર નવિનચંદ્ર પંડ્યાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 14 ઓક્ટોબર-2022ના રોજ હું સાંજે સાડા પાંચ વાગ્યે હોસ્પિટલ બંધ કરીને ઘરે ગયો હતો અને 15 ઓક્ટોબર-2022ના રોજ સવારે સાડા આઠ વાગ્યે હોસ્પિટલમાં આવ્યો હતો. તે સમયે અંદરના તમામ દરવાજા અને ડ્રોવર ખુલ્લા હતા અને ડ્રોવરનું લોક પણ તોડી નાખેલ હતું. આ ડ્રોવરમાં ઓપીડી અને ઓપરેશનના 35 હજાર રૂપિયા મુકેલા હતા. તે મળી આવ્યા નહોતા.મેં તપાસ કરતા હોસ્પિટલની પાછળના ભાગે આવેલ બારીની ગ્રીલનું લોક તોડીને કોઈ ઇસમ ચોરી કરતો CCTVમાં દેખાયો હતો. પોલીસે તે વખતે CCTV ફૂટેજ લીધા હતા અને તે સમયે મારે હોસ્પિટલનું કામ હોવાથી પોલીસ ફરિયાદ કરી નહોતી. જેથી હવે હોસ્પિટલમાંથી 35 હજારની ચોરી થયાની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.સયાજીગંજ પોલીસે ચોરી કરનાર આરોપી સંજય લક્ષ્મણ પાટણવાડિયા (હાલ રહે. ફૂટપાથ પર રેલવે સ્ટેશન પાસે, મૂળ રહે. છાપરા ગામ, તા.ઝાલોદ, જિ. દાહોદ)ની ધરપકડ કરી છે.