સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન દ્વારા જૂની પેન્શન સ્કીમ ફરી ચાલુ કરવા વડોદરા કલેક્ટરની કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી

  • 8:35 pm March 21, 2023
રિપોર્ટર- સિકંદર પઠાણ

 

જોઇન્ટ ફોરમ ફોર રેસ્ટોરેશન ઓફ ઓલ્ડ પેન્સન સ્કિમ (એન.સી.એ.), સંયુક્ત કામદાર સમિતિ તથા સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના સંયુક્ત ઉપક્રમે સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન યોજનાની જગ્યાએ જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા અંગે આજરોજ પ્રધાનમંત્રી સુધી પોતાની રજૂઆત માટે વડોદરા કલેક્ટરની કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી.

કામદારોના સંગઠિત આંદોલનને પગલે 1972માં ભારત સરકાર દ્વારા સીસીએસ પેન્શનનો કાયદો કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ અને વિવિધ રાજ્ય સરકારો તથા અન્ય સરકારી કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવ્યો હતો. આ જૂનો પેન્શન કાયદો સરકારી કર્મચારીઓ જ્યારે નિવૃત્ત થાય તે પછી તેના જીવનનો બીજો તબક્કો શરૂ કરે ત્યારે તેમના પરિજનો સન્માનપૂર્વકનું જીવન જીવી શકે તે માટે સામાજિક સુરક્ષાનું કવચ પૂરું પાડતો હતો જે વૃધ્ધાવસ્થાની અનેક બિમારીઓ, સામાજિક જવાબદારીઓના ખર્ચાઓ સામે સુરક્ષા સમાન હતી. ત્યારે કેન્દ્ર સરકારે જૂની પેન્શન યોજનાની જગ્યાએ નવી કન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમ, કોઇપણ ચોક્કસ પેન્શનની રકમ આપવાની ગેરંટી સિવાય શરૂ કરેલ છે, જેના વિરોધમાં તમામ યુનિયનો, ફેડરેશનો તથા કેન્દ્રીય અને રાજ્યના કર્મચારી મંડળો ભેગા મળીને તાત્કાલિક નવી પેન્શન યોજના રદ્દ કરી જૂની પેન્શન યોજના પાછલા તફાવત સાથે શરૂ કરવા માટે પ્રધાનમંત્રી સુધી રજૂઆત માટે આજરોજ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ, સંયુક્ત કામદાર સમિતિ, સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ, ગુજરાત કર્મચારી મહામંડળ તથા ટીમ ઓપીએસ, મહેસૂલી કર્મચારી મહામંડળ, આઇટુક તથા ઇનટુક સહિતના તમામ કર્મચારી સંગઠનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે વડોદરા કલેક્ટરની કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી.