રિલાયન્સ ફાઉન્ડેશન તેમજ સહયોગી સંસ્થા વસુંધરા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ વિશે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

  • 7:28 pm June 6, 2023
અનિલ રામાનુજ | રાધનપુર

 

પાટણ,

પાટણ જિલ્લાના સમી તાલુકાના સજુપુરા ગામમાં રિલાયન્સ ફાઉન્ડેશન તેમજ તેની સહયોગી સંસ્થા વસુંધરા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ વિશે જાગૃતિ લાવવાના હેતુથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં આવેલ મહેમાનોનું સ્વાગત કરીને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો, ત્યારબાદ રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિ જયરામભાઈ દેસાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનો હેતુ અને વિશ્વ પર્યાવરણ દિવસ કેમ ઉજવવામાં આવે છે તે વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

વસુંધરા ફાઉન્ડેશનના પ્રતિનિધિ રઘુભાઈ દેસાઈ દ્વારા વિસ્તારમાં થતી કામગીરી વિશે ચર્ચા કરવામાં આવી, ત્યારબાદ આવેલ મહેમાનોમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાટણ માંથી આવેલ સચિનભાઈ, રાજુભાઈ તેમજ હીનાબેન દ્વારા પ્રસંગોપાત ચર્ચા કરવામાં આવી હતી. તદુપરાંત સમી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી વિકાસ સહાય દ્વારા પર્યાવરણ વિશે જાગૃતિના આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. પર્યાવરણ જાગૃતિ વિષયક રથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. તદઉપરાંત વિસ્તરણ અધિકારી  સિંધવ, મિશન મંગલમ માંથી આવેલ અંજનાબેન, નરેગા માંથી આવેલ સુધીરભાઈ દેસાઈ તેમજ આરોગ્ય ખાતામાંથી આવેલ તમામ મહાનુભાવો દ્વારા અને ગામના તલાટી કમમંત્રીદ્વારા આ વિષય ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, 

કાર્યક્રમના વક્તવ્યો પૂરા થયા બાદ એસએસજીના બહેનો અને આવેલ મહેમાનોના હસ્તે 50 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. અને પર્યાવરણ વિશે જાગૃતિની પ્રતિજ્ઞા લેવડાવી કાર્યક્રમને પૂરો કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સજુપુરા, ઝીલવાણા તેમજ માત્રોટા ગામનાં અંદાજે 70  જેટલા બહેનો તેમજ ગ્રામજનો અને અન્ય થઈ કુલ 150 થી વધારે લોકો હાજર રહ્યા હતા. ભવિષ્યમાં આવનારા ચોમાસામાં રિલાયન્સ ફાઉન્ડેશન અને વસુંધરા ફાઉન્ડેશન દ્વારા આ આખી ડ્રાઇવને સફળ બનાવી પ્લાન્ટેશન કરવાનું આયોજન પણ કરવામાં આવેલ છે.