વાજબી ભાવના દુકાનદારોને અનાજનું પુરતુ વજન મળે તે માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડ દ્વારા વિશેષ આયોજન

  • 7:50 pm June 6, 2023

 

 

ગાંધીનગર,

રાજ્યના જરૂરતમંદ નાગરિકોને જીવન જરૂરિયાત માટેની આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો સમયસર પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ

પ્રતિ માસ ૧.૮૦ લાખ મેટ્રિક ટન ઘઉં-ચોખાનો જથ્થો નાગરિક પુરવઠા નિગમના ૨૫૦ જેટલા ગોડાઉનો ખાતે સંપૂર્ણ પારદર્શી રીતે પહોંચતો કરી વિતરણ કરાય છે

રાજ્યના જરૂરતમંદ નાગરિકોને જીવન જરૂરિયાત માટેની આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ઘઉં-ચોખાનો જથ્થો સમયસર પુરો પાડવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન દ્વારા વિતરણ સુનિશ્ચિત કર્યું છે. રાજ્યના નાગરિક પુરવઠા નિગમ દ્વારા પ્રતિ માસ ૧.૮૦ લાખ મેટ્રિક ટન અનાજનો જથ્થો નિયમિત રીતે ભારત સરકારના ગોડાઉનોમાંથી ઇજારદાર દ્વારા ઉપાડીને રાજ્યમાં ઉપલબ્ધ ૨૫૦ ગોડાઉનો ખાતે સંપૂર્ણ પારદર્શી રીતે પહોંચાડીને જરૂરતમંદ નાગરિકોને વાજબી ભાવની દુકાનો થકી વિતરણ કરવામાં આવે છે. અનાજ વિતરણ વ્યવસ્થામાં પારદર્શકતા જળવાઇ રહે તે માટે કૃષિ મંત્રી  રાઘવજીભાઇ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ પોતાના પ્રવાસ દરમિયાન ગોડાઉનની મુલાકાત લે છે. આ ઉપરાંત વાજબી ભાવના દુકાનદારોને સરકારી નીતિ-નિયમ વજન મળી રહે તે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લીમીટેડ દ્વારા વિવિધ પહેલો થકી પૂરતી તકેદારી રાખવામાં આવે છે. ઘઉં ચોખાનો જથ્થો નિગમના ગોડાઉન ખાતે આવક થયા બાદ દરેક ગુણીઓને ખોલીને શણના બારદાનનું વજન ૪૮૦ ગ્રામ થી ૫૮૦ ગ્રામ એટલે કે TP પાસમાં જે વજન બારદાનનું બાદ કરવામાં આવેલ હોય, તે વજન ધ્યાને લઈ દરેક ગુણીને ૫૦ કિલોની લેખે સમભરતી કરવામાં આવે છે. જેમાં ક્ષણના બારદાનમાં ગ્રોસ (GROSS) ૫૦.૫૮૦ તેમજ પ્લાસ્ટિકના બારદાનમાં ૫૦.૧૩૫ થી સમભરતી કરી બારદાનને પીળા દોરાથી મશીન સિલાઈ કરવામાં આવે છે. સદરહુ બાબતનો સમાવેશ નિગમ દ્વારા બહાર પાડવામાં આવતા પરિવહન ઇજારાના ટેન્ડરોમાં કરવામાં આવે છે. સમભરતીની કામગીરી માટે ઈજારદારને નિયમોનુસાર ચુકવણું કરવામાં આવે છે જે અનુસાર ગોડાઉનો ખાતે કાર્યવાહી થાય છે.

ત્યારબાદ ઘઉં-ચોખાનો જથ્થો સમભરતી કર્યા પછી ગોડાઉનમાં સંગ્રહ કરાય છે અને સંગ્રહ પછી પરમીટ અને દુકાનદાર દ્વારા ભરાયેલ ચલણ મુજબ ગેટ પાસ અને ડીલીવરી ચલણ મારફત વાજબી ભાવની દુકાન ખાતે જથ્થો ડોરસ્ટેપ ડીલીવરી (DSD) કોન્ટ્રાક્ટરના વાહનો મારફતે પહોંચતો કરવામાં આવે છે. ત્યારબાદ ડોરસ્ટેપ ડીલીવરી (DSD) ઈજારદાર મારફત વાજબી ભાવના દુકાન ખાતે જથ્થો પહોંચાડવામાં આવે છે જયારે ગેટપાસ અને ડીલીવરી ચલણ મુજબનો જથ્થો દુકાનદારને મળે છે, તે સંદર્ભે નીમાયેલ તકેદારી સમિતિના સભ્યો તેમજ વાજબી ભાવના દુકાનદાર દ્વારા ગેટપાસ તથા ડીલીવરી ચલણમાં દર્શાવેલ પહોંચ પર સહીઓ કરી ગેટપાસ તથા ડીલીવરી ચલણ DSD ઇજારદારના પ્રતિનિધિ (ટ્રક ડ્રાઇવર)ને પરત આપવામાં આવે છે, જેમાં વાજબી ભાવના દુકાનદાર દ્વારા નંગ તેમજ વજન ઓછું મળવા અંગે કોઇ ફરિયાદ હોય તો ગેટપાસ તેમજ ડીલીવરી ચલણમાં જણાવી શકે છે. વધુમાં, સદરહું જથ્થો ઉતારવાની કાર્યવાહી જે-તે દુકાનનાં Geo fence Area માં થાય છે, જેથી જથ્થો FPS ખાતે જ ઉતરે તે નિશ્ચિત કરી શકાય.

FCI/CWC દ્વારા આપવામાં આવતા ઘઉં-ચોખાનો જથ્થો જે-તે વર્ષે કરાયેલ ખરીદી સમયનો હોય છે. જે ગુજરાતમાં મહદઅંશે પંજાબ, મધ્યપ્રદેશ FCI તરફથી આપવામાં આવતો હોય છે. બારદાનની ખરીદ કેન્દ્રથી FCIના સંગ્રહ સ્થાનથી રેલ્વે મારફ્ત પરિવહન થઇ FCI ગુજરાતના ગોડાઉનમાં ચડાવા/ઉતારવા તથા સંગ્રહ દરમિયાન હેરફેર સમયે મજુરો દ્વારા બારદાનને હુક લાગવાના કારણે, જથ્થો વધુ સમય સંગ્રહ થવાથી ભેજના પ્રમાણમાં ફેરફાર થતો હોય તેવા કિસ્સામાં સમભરતી થયેલ જથ્થામાં મહદઅંશે પ૦ ગ્રામથી ૧૦૦ ગ્રામ જેટલા વજનમાં ફેરફાર રહેતો હોય છે. જે નિગમ ખાતેના જથ્થામાંથી ભરપાઇ કરીને દરેક ગુણીને ૫૦ કિલોમાં પરિવર્તિત કરવામાં આવે છે. પરિવહન તથા ડોરસ્ટેપ ડીલીવરી ઇજારદાર દ્વારા નિયમોનુસારની કામગીરી પૂર્ણ કરી માસિક ધોરણે બિલો રજુ કરવામાં આવે છે, જેની ખરાઇ જિલ્લા પુરવઠા અધિકારી કક્ષાએથી કર્યા બાદ જ ચુકવણું કરવામાં આવે છે. પુરવઠા નિગમ દ્વારા FCI/CWC થી આવતો જથ્થો તેમજ પુરવઠા નિગમના ગોડાઉનથી વાજબી ભાવના દુકાનદારોને ડોરસ્ટેપ ડીલીવરી ઇજારદાર મારફતે આપવાના થતા ઘઉં, ચોખા વગેરેનો જથ્થો નિગમના ગોડાઉન ખાતે ઉભા કરાયેલ વે-બ્રિજ પર વજન કરીને જ જથ્થો આવક થવા પામે ત્યારે તેમજ જથ્થો વિતરણ કરવામાં આવે ત્યારે વે-બ્રિજ પર વજન કરીને જ આપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જથ્થાનું સંપૂર્ણ મોનીટરીંગ થઇ શકે તે માટે નિગમના ગોડાઉન ખાતે CCTV કેમેરા લગાવવાની કાર્યવાહી હાલ પ્રગતિ હેઠળ છે. નિગમ દ્વારા વાજબી ભાવના દુકાનદારોને કોઇ પણ પ્રકારનો જથ્થો ઓછો ન મળે તે બાબતે તમામ પગલાંઓ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે.

પુરવઠા નિગમ દ્વારા સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ નિયત ધારા-ધોરણમાં વજન મળી રહે તે મુજબની કામગીરી પારદર્શક રીતે કરવામાં આવે છે. તેમ છતાં વજન ઓછું અંગે રજૂઆતો નિવારવા માટે દરેક વાહનને GPS તેમજ LOAD SENSORની સુવિધા સાથેના વાહનો પુરા પાડવા પરિવહન ડી.એસ.ડી અંગે આગામી ટેન્ડરમાં જોગવાઇ પણ કરવામાં આવી છે. જે સુવિધાના કારણે મોકલવામાં આવેલ જથ્થો નિયત કરેલ સ્થળે તેમજ નિયત વજનમાં જ વિતરણ થાય તે સુનિશ્ચિત થશે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા તેમના પ્રવાસ દરમિયાન ગુજરાત રાજ્ય નાગરિક પુરવાઠા નિગમ લીમીટેડના તાબા હેઠળના ગોડાઉનની મુલાકાતો પણ લેવામાં આવે છે તથા પુરવઠા નિગમના ગોડાઉનની દર માસે જિલ્લા કક્ષાના અધિકારીઓ અને પુરવઠા નિગમ દ્વારા નિમાયેલ જિલ્લાની સી.એ. ટીમ દ્વારા માસિક તપાસણી પણ કરવામાં આવે છે. આમ પુરવઠા નિગમ દ્વારા વાજબી ભાવના દુકાનદારને રાજ્ય સરકારની નીતિ-નિયમ મુજબનું વજન મળી રહે તે બાબતે,પુરતી તકેદારી રાખવામાં આવે છે.