ગઢડાના ઉગામેડી ગામે ઓવરલોડ તૂફાન જીપે પલ્ટી મારી

  • 8:33 pm June 6, 2023
હેમેન્દ્ર મોદી

 

 

ગઢડા,

ગઢડા(સ્વામીના) તાલુકાના ઉગામેડી ગામ પાસે ઓવરલોડ ભરેલી એક તૂફાન જીપનું ટાયર નિકળી જતા દુર્ઘટના બની હતી. આ જીપમાં બેઠેલા શ્રમિકો પૈકી કેટલાકને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ખેત મજૂરી અને ખોદકામ વિગેરે માટે મજૂરી કામ કરતા શ્રમિકોની સિઝન અને કામગીરીના પ્રમાણમાં મોટા ભાગે અવર જવર થતી રહેતી હોય છે. આ દરમિયાન શ્રમિકોથી ભરેલી ઉગામેડીથી ગઢડા તરફ જઈ રહેલી એક તૂફાન જીપનું ટાયર નીકળી જતા ચાલકે કાબૂ ગુમાવી દેતા જીપ પલ્ટી મારી ગઢડાથી ત્રણ કી.મી. દૂર એક ખાડામાં ઉતરી ગઈ હતી. આ અકસ્માત થતા જીપમાં સવાર શ્રમિકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. તેમજ એક મહિલા સહિત ૨ ઈજા ગ્રસ્તોને વધારે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે લોકોના ટોળા ભેગા ગયા હતા. તેમજ ઈજાગ્રસ્તોની વહારે આવી સારવાર વિગેરે મદદ હાથ ધરી હતી. આ અકસ્માતના પગલે મધ્યપ્રદેશના કઠેવાડા તાલુકાના આમખૂટ ગામે રહેતા ઈજાગ્રસ્ત કરણભાઈ વેસતાભાઈ ડાવરે તૂફાન ગાડી નંબર એમ.પી.૦૯ બી.એ. ૪૬૪૮ ના ચાલક વિરૂધ્ધ બેફીકરાઈથી વાહન ચલાવી માનવ જીંદગીને જોખમમાં મૂકવા અંગે ધોરણસરની ફરીયાદ નોંધાવી છે.