જામનગર શહેર કોંગ્રેસે મોંઘવારીના મુદ્દે ભાજપે ભૂખ દીધી નામનું નાટક ભજવ્યું

  • 6:43 am June 24, 2021

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે લાલ બંગલા સર્કલમાં મોંઘવારીના મુદ્દે “ભાજપે ભૂખ દીધી” નામક નાટક ભજવાયું હતું, અને મહિલા કોંગ્રેસની બહેનો દ્વારા રાંધણ ગેસ, તેલ, પેટ્રોલ-ડીઝલ સહિતના ભાવ વધારાના મુદ્દે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી, અને નાટકના ભાગરૂપે રાજ્ય સરકારના જામનગરના બે મંત્રીઓને ઉભા રાખી તેની સમક્ષ ભાવ ઘટાડાની માગણી કરી હતી. જે સમગ્ર નાટક ને લઈને લોકોમાં કુતૂહલ પ્રસર્યું હતું.

જામનગર શહેર જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ રંજનબેન ગજેરાની આગેવાની હેઠળ કોંગ્રેસના કોર્પોરેટર સહિતના મહિલા કાર્યકરો દ્વારા આજે લાલબંગલા સર્કલમાં “ભાજપે ભૂખ દીધી” નામક નાટક ભજવવામાં આવ્યું હતું, અને વિશેષ પ્રકારે વિરોધ કરી સરકારને જગાડવાનો પ્રયાસ કરાયો હતો. ગરીબ અને મધ્યમ વર્ગ માટે પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસ, તેલ તેમજ વિવિધ ખાદ્ય પદાર્થો જેવી રોજિંદી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં અસહ્ય ભાવ વધારાને કારણે મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી ભાવ વધારાને ઘટાડવા માટે સરકારને જગાડવાના પ્રયાસરૂપે નાટક ભજવવામાં આવ્યું હતું.

જેમાં બે કોંગી કાર્યકરોને જામનગરના બે સ્થાનિક મંત્રી તરીકે દર્શાવાયા હતા, અને તેઓ ઉપર કેબિનેટ મંત્રી અને રાજ્ય મંત્રી ના પોસ્ટર લગાવ્યા હતા. તેની સામે મહિલાઓએ હાથ જાેડીને ભાવ ઘટાડાની વિનંતી કરી હતી.

આ ઉપરાંત ભાજપે ભાવ વધારો કર્યો છે, અને પ્રજા પીસાઈ રહી છે. તેમ જણાવ્યું હતું. બન્ને મંત્રીઓએ એવા પ્રત્યુત્તર આપ્યા હતા, કે ભાવ વધારો નિયંત્રણ કરવાનું કેન્દ્ર સરકારના હાથમાં છે અને કેન્દ્ર સરકાર જે નીતિ નક્કી કરે છે, તે આમારે રાજ્ય સરકારને લાગુ પડે છે, જેથી અમારા હાથની વાત નથી. તેમ કહી અસમર્થતા દર્શાવી હતી. તે પ્રકારનું નાટક ભજવવામાં આવ્યું હતું. આ સમયે ત્યાંથી પસાર થનારા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.