ભત્રીજાને મારનાર બે કાકાને આજીવન કેદની સજા ફટકારાઈ

  • 9:16 pm July 4, 2021

બનાસકાંઠા ભાભર તાલુકાના બરવાળા ગામે આઠ વર્ષ અગાઉ થયેલી હત્યા મામલે સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. ભત્રીજાને સમાધાન માટે બોલાવી બે સગા કાકા અને ભાઈ દ્વારા લાકડી ધોકા વડે હુમલો કરી ઇજાઓ કરી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જે અંગેનો કેસ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટ ખાતે ચાલી જતા તમામ પુરાવા આરોપી વિરુદ્ધ હોવાથી ત્રણેણ આરોપીઓને આજીવન કેદ અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાભર ગામે રહેતા કાનજીભાઈ શંકરભાઈ માળીના દીકરા મહેશ માળીને ૯ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ તેમના કાકા અને પિતરાઈ ભાઈ દ્વારા બોલાવવામાં આવ્યો હતો. કાનજીભાઈ માળીના બંને ભાઈઓ ગજાભાઈ શંકરભાઈ માળી, રતનસિંહ શંકરભાઈ માળી અને ભત્રીજા અમૃતભાઈ રતનસિંહ ભાઈ માળી દ્વારા અગાઉના વિવાદ બાબતે સમાધાન કરવા માટે તેમના ખેતર ભાભર તાલુકાના બરવાળા ગામે બોલાવવામાં આવ્યો હતો. ત્યારે બંને કાકા અને ભત્રીજાએ મળીને મહેશભાઈ માળીનું ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું. આ અંગે મૃતકના પિતા કાનજીભાઈ શંકરભાઈ માળી દ્વારા ભાભર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.

આ અંગેનો કેસ નંબર ૧૩૭/૨૦૧૫ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં શનિવારે ચાલ્યો હતો. સરકારી વકીલ ડી વી ઠાકોરની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી તમામ પુરાવા આરોપી વિરુદ્ધ હોવાથી ફરજ પરના ન્યાયાધીશ કે એસ હિરપરા દ્વારા ત્રણેય આરોપીઓને આજીવન કેદ અને ૫૦૦૦ રૂપિયાનો દંડ આપતો ચુકાદો ખુલ્લી કોર્ટમાં આપ્યો હતો. જેના બાદ કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો.