ઓલમ્પિકમાં મહિલા હોકી ટીમની હાર બાદ પ્લેયર વંદના કટારિયાને પડોશીઓએ આપી ગાળો

  • 3:52 pm August 6, 2021

ટોક્યો ઓલમ્પિકની સેમીફાઇનલમાં ભારતીય મહિલા હોકી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમની ખેલાડી વંદના કટારિયાના પરિવારના સભ્યોને જાતિસૂચક ગાળો બોલવામાં આવી હતી. દલિત વર્ગની ખેલાડી વંદના કટારિયાના ભાઈએ તેની ફરિયાદ પોલીસને કરી છે. હરિદ્વારના એસએસપી કૃષ્ણરાજ એસ.એ જણાવ્યું કે વંદના કટારિયાના ભાઈની ફરિયાદ પર તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આઇપીસીની કલમ ૫૦૪ અને એસસી/એસટી એક્ટની કલમ ૩ હેઠળ પ્રાથમિકી નોંધી લીધી છે.

ક્વાર્ટર ફાઇનલમાં જીત બાદ ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો, પરંતુ સેમીફાઇનલ મેચમાં ટીમને આજેર્ન્ટિનાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગત બુધવારે રમાયેલી સેમીફાઇનલ બાદ ટીમ ઈન્ડિયાને નિરાશા હાથ લાગી, પરંતુ મહિલા ટીમના પ્રદર્શનને તમામ લોકો વખાણી રહ્યા છે. આ દરમિયાન ઉત્તરાખંડમાં વંદના કટારિયાના ભાઈની ફરિયાદ પોલીસને મળી છે, જેમાં સેમીફાઇનલમાં હાર બાદ તેના પરિવારના સભ્યોને ગાળો આપવાની વાત કહેવામાં આવી છે. આ મામલામાં પોલીસ હવે તપાસ કરી રહી છે. તપાસ બાદ પોલીસ મામલામાં કાર્યવાહી કરી શકે છે.

ભારતીય મહિલા હોકી ટીમનું ઓલમ્પિકમાં આ પહેલા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન મોસ્કો ઓલમ્પિક ૧૯૮૦માં રહ્યું હતું, જેમાં ટીમ છ ટીમોમાંથી ચોથા સ્થાન પર રહી હતી. મહિલા હોકી ટીમે ત્યારે ઓલમ્પિકમાં પદાર્પણ કર્યું હતું અને મેચ રાઉન્ડ રોબિન આધાર પર રમાડવામાં આવી હતી, જેમાં ટોપ પર રહેનારી બે ટીમો ફાઇનલમાં પહોંચી હતી. આ વખતે ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં પહોંચવાની આશા હતી. પરંતુ સેમીફાઇનલમાં હારીને ટીમ બહાર થઈ ગઈ હતી. હવે બ્રોન્ઝ મેડલ પર ટીમની નજર છે.