ગંભીરે ભારતીય પુરુષ હોકી ટીમને અભિનંદન પાઠવતા ધોની પર નિશાન સાધ્યું

  • 2:51 pm August 7, 2021

ગૌતમ ગંભીરે ભારતીય મેન્સ હોકી ટીમે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા પછી પોતાના અંદાજમાં અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ એના ટ્‌વીટ પછી સો.મીડિયામાં હડકંપ મચી ગયો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે ૪૧ વર્ષ પછી પહેલીવાર મેડલ જીત્યો છે. ભારતીય હોકી ટીમે જર્મની સામેની રોમાંચક મેચમાં ૫-૪થી જીત દાખવી બ્રોન્ઝ મેડલ સુનિશ્ચિત કર્યો હતો. જેના પરિણામે સો.મીડિયામાં વિવિધ ક્રિકેટર્સે પણ ભારતીય મેન્સ હોકી ટીમની પ્રશંસા કરી હતી. એવામાં ગૌમત ગંભીરના એક ટ્‌વીટનાં કારણે સો.મીડિયા યૂઝર્સ ગુસ્સે થયા હતા.

આ દરમિયાન ગૌતમ ગંભીરે પણ પોતાના અંદાજમાં ભારતીય પુરુષ હોકી ટીમને શુભેચ્છા પાઠવી હતી. ગંભીરે ટ્‌વીટ કરતા લખ્યું, ૧૯૮૩, ૨૦૦૭ અથવા ૨૦૧૧ હોય, પરંતુ હોકીમાં જીતેલો મેડલ વર્લ્‌ડ કપ કરતા પણ મહત્ત્વપૂર્ણ છે. ૨૦૦૭ અને ૨૦૧૧ના વર્લ્‌ડ કપમાં ગૌતમ ગંભીરે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ગૌતમ ગંભીરનાં આ ટ્‌વીટ બાદ સો.મીડિયામાં ફેન્સ ગુસ્સે થયા હતા. એમણે ગૌતમ ગંભીરને લગતી વિવિધ પોસ્ટ શેર કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. વળી ગૌતમ ગંભીર પણ જ્યારથી નિવૃત્ત થયો છે, ત્યારથી આડકતરી રીતે ધોની અંગે વિવાદિત ટિપ્પણીઓ કરતો રહેતો હોય છે.

કોઇપણ ઘટના ઘટે એમાં એ વર્લ્‌ડ કપ દરમિયાન ધોનીને વધુ મહત્ત્વ અપાયું હોવાની વાતનો દરેક વેળાએ વિરોધ કરે છે. એવામાં ભારતીય હોકી ટીમની જીત બાદ પણ ગંભીરની આવી પોસ્ટ જાેતા ધોનીનાં ફેન્સે એને આડે હાથ લીધો હતો.

ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા પછી ભારતીય પુરુષ હોકી ટીમને ક્રિકેટર્સે શુભેચ્છા પાઠવી હતી. સો.મીડિયામાં ઘણા દિગ્ગજ ક્રિકેટર્સે પોત-પોતાના અકાઉન્ટથી હોકી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.