શ્રેયસ અય્યર સંપૂર્ણ ફિટ, આઈપીએલ ફેઝ-૨માં રમશે

  • 3:50 pm August 13, 2021

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ ૨૦૨૧) સીઝન શરૂ થવા માટે લગભગ ૫-૬ અઠવાડિયા બાકી છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં યોજાનારી ટુર્નામેન્ટ માટે ટીમો પુરજાેશમાં છે. થોડા જ દિવસોમાં આ ટીમો આરબ દેશ માટે રવાના થશે. આવી સ્થિતિમાં ઘણા ખેલાડીઓની ઉપલબ્ધતા વિશે ઘણી ઉત્સુકતા છે.

દિલ્હી કેપિટલ્સ (ડીસી)માટે સૌથી મોટા અને શ્રેષ્ઠ સમાચાર આવ્યા છે. ટીમના સ્ટાર ભારતીય બેટ્‌સમેન શ્રેયસ અય્યર ફિટ થઈ ગયો છે અને ટૂર્નામેન્ટ માટે ટીમમાં વાપસી માટે તૈયાર છે. નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ) દ્વારા અય્યરને ક્રિકેટ મેદાનમાં પરત ફરવા માટે સંપૂર્ણપણે ફિટ જાહેર કરવામાં આવ્યા છે.

ટીમ ઇન્ડિયા અને દિલ્હી કેપિટલ્સના મિડલ ઓર્ડર બેટ્‌સમેન અય્યર આ વર્ષે માર્ચમાં ઇજાગ્રસ્ત થયો હતો. ૨૩ માર્ચે પુણેમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે શ્રેણીની પ્રથમ મેચ દરમિયાન તેના ખભામાં ઈજા પહોંચી હતી, જેના કારણે તે સીરીઝની સાથે આઈપીએલ૨૦૨૧ માંથી પણ બહાર થઈ ગયો હતો. આ પછી અય્યરે તેના ખભાનું ઓપરેશન કરાવ્યું અને થોડા સમય પહેલા તેણે તેના જૂના કોચ પ્રવીણ આમરે સાથે બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી છે.

બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું, અય્યર હવે શારીરિક અને માનસિક રીતે રમવા માટે સંપૂર્ણપણે ફિટ છે. "એનસીએએ શ્રેયસને ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું છે. તે એક સપ્તાહ માટે બેંગલુરુના એનસીએમાં રહ્યો હતો અને તેની ફિટનેસ ચેક કરવામાં આવી હતી. તબીબી અને શારીરિક પરિમાણોની તપાસ કર્યા પછી, તે હવે મેચમાં રમવા માટે તૈયાર છે. તેને વધુ સારા સમયે ફિટનેસ સર્ટિફિકેટ મળ્યું કારણ કે, ભારતને બે મહિનામાં ટી-૨૦ વર્લ્‌ડકપમાં રમવાનું છે.