છત્રાલમાં સાસરીયાઓના ત્રાસથી ૨૫ વર્ષીય પરિણિતાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

  • 3:40 pm August 14, 2021

કલોલના છત્રાલ ખાતે પતિ અને સાસુ સસરાએ દહેજ બાબતે શારીરક માનસિક ત્રાસ આપતા ૨૫ વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નિપજતા કલોલ તાલુકા પોલીસ મથકમાં સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મહેસાણાનાં કડી ખાતે રહેતા અમરતભાઈ ડાહ્યા ભાઈ રાવળે કલોલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પાંચ સંતાનો પૈકીની ૨૫ વર્ષીય પુત્રી હેતલના લગ્ન મૂળ વીરમ ગામના સુનીલ લાભુભાઈ રાવળ સાથે સાતેક આશરે સાતેક વર્ષ અગાઉ કરવામાં આવ્યા હતા.

લગ્ન પછી તેમની દીકરી સાસરી કલોલ છત્રાલ ખાતે તેના પરિવાર સાથે રહેતી હતી. આ લગ્ન જીવન થી હેતલે બે દીકરીઓને જન્મ આપ્યો હતો. લગ્નના ત્રણ વર્ષ પછી પતિ અને સાસુ જશીબેન અને સસરા લાભુ ભાઈ દહેજની માંગણી કરી શારીરક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા હતા.

જેનાં કારણે તેમની દીકરી પિયર માં આવીને રહેતી હતી. આશરે એક મહિના અગાઉ પણ તેને સાસરિયાએ મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મુકતા તેણે પિયરમાં જઈ સઘળી હકીકત વર્ણવી હતી. પછી થોડા દિવસ બાદ તેને સમજાવીને અમરતભાઈએ સાસરીમાં મોકલી આપી હતી. ત્યારે ગત. તા. ૪ ઓગસ્ટના રોજ સાસરિયાઓએ દહેજ બાબતે ત્રાસ આપી મારઝૂડ કરાતા તેણે ઝેરી દવા ગટગટાવી લીધી લીધી હતી.

જેનાં કારણે તેને વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું ગત. તા. ૧૧ મી ઓગસ્ટના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે અમરતભાઈ ની ફરિયાદના આધારે કલોલ તાલુકા પોલીસે પતિ અને સાસુ સસરા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.