ઇન્ડોનેશિયાથી જામનગરમાં આવેલ શિપમાં ૧૭ દર્દીઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો

  • 3:50 pm August 15, 2021

રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરના કેસોમાં ભલે ઘટાડો નોંધાતા હોય, પરંતુ હકીકતમાં કોરોના ગયો નથી. હાલ જામનગરમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરના સિક્કામાં ૧૭ દર્દીઓ કોરોના પોઝિટીવ નોધાયા છે. ઈન્ડોનેશિયાથી આવેલી શીપમાં ૧૭ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહત્વની વાત તો એ છે કે ૧૭ દર્દીમાંથી એક દર્દીનું શીપમાં જ મોત નિપજ્યું છે, જ્યારે ૫ દર્દીઓને જામનગર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ૧૧ દર્દીઓ શીપમાં ક્વોરોન્ટાઈન કરાયા હોવાની માહિતી મળી રહી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે જામનગરના સિક્કા આવેલ ઇન્ડોનેશિયાથી આવેલ એક શીપમાં ૧૭ દર્દીઓના રિપોર્ટ પોઝિટીવ મળતા ખળભળાટ મચ્યો છે. ૧૭ દર્દીઓમાંથી ૧ દર્દીનું શિપની અંદર જ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય ૧૬ શિપના દર્દીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી ૫ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા જામનગર જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. હાલ કોરોના પોઝિટીવ આવેલ તમામ શીપ મેમ્બર દર્દીઓની સ્થિતિ સારી હોવાનું જીજી હોસ્પિટલના તબીબે જણાવ્યું છે. હોસ્પિટલમાં એક અલાયદા વોર્ડમાં પાંચેય દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ શિપ દરિયામાં છે અને તેમાં બાકીના મેમ્બર કોઈ લક્ષણો વિનાના છે. બાકીના ૧૧ શિપ મેમ્બરને મધ દરિયે શિપમાં કોરોન્ટાઇન રાખવામાં આવ્યા છે.

જામનગર નજીકના દરિયામાં સિક્કાથી ૨૫ નોટીકલ માઇલ દુર લાંગરેલી ઇન્ડોનેશિયાથી આવેલી શિપમાં ૧૭ જેટલા ક્રૂ મેમ્બરો બીમાર પડયા હોવાથી માહિતી મળતા પોરબંદર અને ગાંધીધામ હેલ્થની તબિબી ટુકડીને શિપમાં મોકલવામાં આવી હતી. જેમાં એક ક્રૂ મેમ્બરનું મોત થયું હતું. ગાંધીધામના તબીબે તેનું કોરોનાના કારણે મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

ઈન્ડોનેશિયન નાગરિકના મૃતદેહને ગૃહ મંત્રાલયની મંજૂરી પછી એક ટગ મારફતે જામનગર નજીક સિક્કાની જેટી પર લાવવામાં આવ્યો હતો, અને બંન્ને દેશોની વાટાઘાટો થયા પછી વિદેશી નાગરિકના મૃતદેહને કોરોનાની તમામ ગાઇડ લાઇનને અનુસરીને દફનવિધિની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.