અમરેલીમાં સસરો બન્યો શેતાનઃ નિવૃત પીઆઇએ છરીના ઘા ઝીંકી પુત્રવધુને પતાવી દીધી

  • 4:05 pm August 17, 2021

અમરેલીમાં એક નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા પોતાની પુત્રવધુની છરીને ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. આટલું જ નહીં, સસરાએ પુત્રવધુની હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. જાે કે ડૉક્ટરી પુરાવા અને સીસીટીવી ફૂટેજના આધારે સસરાની પોલ ખુલી ગઈ હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમરેલીના સહજાનંદ નગર વિસ્તારમાં રહેતી પરણિતા પૂનમ વાઘેલાએ ગત ૬ ઓગસ્ટના રોજ પોતાના ઘરમાં બ્લડ પ્રેશરની બીમારીથી કંટાળી પોતાની જાતે છરીના ઘા માર્યા હતા. આથી તેમને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા જ્યાં ૮ ઓગસ્ટે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

મહિલાના પરિવારજનોએ પોલીસમાં તેણીએ આત્મહત્યા કરી હોવાનું લખાવ્યું હતું. જાે કે બાદમાં ઊંડાણ પૂર્વક તપાસ દરમિયાન આ ઘટનામાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ડોકટર દ્વારા લખવામાં આવ્યું હતું કે, કોઈ વ્યક્તિ પોતાની જાતે પોતાના શરીર પર આવા ઘા કરી શકે નહી. આથી આસપાસ લગાવેલા સીસીટીવી ફૂટેજમાં મૃતકના સસરાની ઘરે હાજરી તેમજ મૃતકના પરિવારજનોની દિનચર્યા જાેઈ પોલીસને શંકા થઈ હતી.

જ્યારે મૃતકના ભાભીએ પણ આ હત્યા હોવાની ફરિયાદ કરી હતી અને તેમના ફોન પર પણ તેમની પુત્રીને લઈ જવાનું કહ્યું હતું. આથી પોલીસે તપાસ કરતા સમગ્ર ઘટના અત્મહત્યા નહીં, પરંતુ હત્યા હોવાનું ખુલ્યું હતું.

મૃતકના પતિ દેવેન્દ્રના અન્ય મહિલા સાથે અફેરના કારણે ઘરમાં સતત ઝઘડા થતા હતા અને થોડા દિવસો પહેલા પૂનમબેન ઘર છોડીને પણ જતાં રહ્યા હતા. જાે કે થોડા દિવસે પહેલા જ સાસરીમાં પરત આવી ગયા હતા.

આ ઘટનામાં પુત્રવધુની હત્યા તેના જ સસરા અને નિવૃત પીઆઇ ગિરીશ વાઘેલાએ કરી હોવાનું સામે આવ્યું હતુ. જ્યારે મહિલાના પતિ દેવેન્દ્ર વાઘેલા અને સાસુ મધુબેન વાઘેલા પણ હત્યામાં સામેલ હોય ત્રણેયે મળીને કાવતરું રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે મૃતકની ભાભીની ફરિયાદના આધારે સસરાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.