૧૫ લાખથી વધુ મહેસાણાવાસીઓએ વેક્સિનના બંને ડોઝ લીધા

  • 3:25 pm August 25, 2021

મહેસાણા જિલ્લામાં ૭ ઓગસ્ટથી ૨૦ ઓગસ્ટ દરમિયાન ૧૪ દિવસમાં કુલ ૧,૪૮,૮૩૭ લોકોને રસી અપાઇ છે. જેમાં ૭૯ ટકા (૧,૧૭,૭૩૦ લોકો) ગ્રામ્ય વિસ્તારમાં અને ૨૧ ટકા (૩૧,૧૦૭ લોકો) શહેરમાં રસીકરણ થયું છે. છેલ્લા બે સપ્તાહમાં ૭થી ૧૩ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ગ્રામ્યમાં ૬૯,૭૦૧ અને શહેરમાં ૧૮,૩૧૨ લોકોને રસી અપાઇ હતી. જ્યારે ૧૪થી ૨૦ ઓગસ્ટ બીજા સપ્તાહમાં ગ્રામ્યમાં ૪૮,૦૨૯ અને શહેરમાં ૧૨,૭૯૫ને રસી અપાઇ હતી. વેક્સિનેશનમાં રાજ્યમાં બનાસકાંઠા પ્રથમ નંબરે, જ્યારે મહેસાણા ત્રીજા, સાબરકાંઠા ૧૩મા, પાટણ ૨૦મા અને અરવલ્લી જિલ્લો ૨૪મા ક્રમે છે. કોરોના રસીકરણમાં મહિલાઓ કરતાં પુરુષો આગળ છે. કુલ રસીકરણમાં ૫૩ ટકા પુરુષો એ ૪૭ ટકા મહિલાઓએ રસી લીધી છે. મહિલાના ઓછા રસીકરણ માટે ખેતીકામ તેમજ ક્યાંક ક્યાંક રસીનો ડર જવાબદાર મનાય છે. રાજ્યમાં કોરોના વિરુદ્ધની લડતના રૂપમાં શરૂ કરાયેલા વેક્સિનેશન અભિયાનના સાડા સાત મહિનામાં રાજ્યમાં ૪.૨૭ કરોડ લોકોએ રસી લીધી છે, જેમાં ૧૪ ટકા લોકો ઉત્તર ગુજરાતના છે. અત્યાર સુધી થયેલા વેક્સિનેશનમાં ઉ.ગુ.માં ૬૦ લાખ લોકોએ રસી લીધી છે. જેમાં ૭૩.૫૮ ટકા એટલે કે ૪૪.૧૬ લાખ લોકોએ પ્રથમ ડોઝ અને ૨૬.૪૨ ટકા એટલે કે ૧૫.૮૪ લાખ લોકોએ બંને ડોઝ લઇ કોરોના સામે સુરક્ષા કવચ મેળવી લીધું છે. ઉ.ગુ.ના પાંચ જિલ્લામાં કોવિન પોર્ટલ મુજબ ૨૧ ઓગસ્ટ સુધીમાં ૨૪.૧૯ લાખ યુવાનો એટલે કે ૧૮થી ૪૪ વર્ષના લોકોએ રસી લીધી છે. જે કુલ રસીકરણના ૪૦.૩૧ ટકા થવા જાય છે. જેમાં સૌથી વધુ રસીકરણ ૮.૨૨ લાખ બનાસકાંઠામાં અને ૫.૭૧ લાખ મહેસાણામાં થયું છે. સાબરકાંઠામાં ૩.૯૫ લાખ, પાટણમાં ૩.૭૪ લાખ અને અરવલ્લીમાં ૨.૫૫ લાખ થયું છે. ઉ.ગુ.માં કુલ રસીકરણમાં ૫૩ ટકા એટલે કે ૩૧.૮૦ લાખ પુરુષોનું અને ૪૭ ટકા એટલે કે ૨૮.૧૯ લાખ મહિલાઓનું રસીકરણ થયું છે. મતલબ કે, પુરુષ અને મહિલા રસીકરણમાં ૬ ટકા પાછળ છે. મહિલાના રસીકરણમાં સૌથી વધુ પાટણમાં ૪૮.૧૩ ટકા, સાબરકાંઠામાં ૪૭.૭૯, મહેસાણામાં ૪૭.૬૪, અરવલ્લીમાં ૪૬.૬૫ અને બનાસકાંઠામાં ૪૫.૨૪ ટકા થયું છે. પુરુષ રસીકરણમાં સૌથી વધુ બનાસકાંઠામાં ૫૪.૭૬ ટકા, મહેસાણામાં ૫૨.૩૬ ટકા થયું છે. ઉ.ગુ.માં ૬૦થી વધુ ઉંમરના સિનિયર સિટીઝન્સમાં ૨૪.૯૦ ટકા રસીકરણ થયું છે. જેમાં બનાસકાંઠામાં ૪.૮૨ લાખ, મહેસાણામાં ૩.૬૦ લાખ, સાબરકાંઠામાં ૨.૪૯ લાખ, અરવલ્લીમાં ૨.૧૬ લાખ અને પાટણમાં ૧.૮૪ લાખ વૃદ્ધોનો સમાવેશ થાય છે. જ્યારે ૪૫થી ૫૯ વર્ષ સુધીના ૩૪.૭૯ ટકા એટલે કે ૨૦.૮૭ લાખ લોકોએ રસી લીધી છે.