દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી પાણી ભરાયા

  • 3:53 pm January 8, 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં છે. સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં ૪૦ મિમી અને ખંભાળિયા તાલુકામાં ૧૫ મિમી વરસાદ નોંધાયો છે. આ સાથે ભાણવડ તાલુકામાં ત્રણ અને દ્વારકા તાલુકામાં બે મિમી. વરસાદ નોંધાયો હતો. સવારના ધોધમાર વરસાદી માવઠા બાદ વાતાવરણ ખુલ્લું બન્યું હતું અને સૂર્યનારાયણનાં દર્શન પણ થયાં હતાં.

આ કમોસમી માવઠાને કારણે શિયાળુ પાકને નુકસાની થવાની ભીતિ સાથે ધરતીપુત્રોમાં ચિંતાની લાગણી જાેવા મળી રહી છે.હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારથી જિલ્લામાં પલટાયેલા વાતાવરણ વચ્ચે ગઈકાલે દિવસ દરમિયાન હળવા છાંટા પડ્યા બાદ બપોરના સૂર્યનારાયણનાં દર્શન થયાં હતાં અને મોડી સાંજ સુધી મહદંશે વાતાવરણ ખુલ્લું રહ્યું હતું. ત્યાર બાદ પુનઃ વાદળોની જમાવટ થતાં આજે સવારે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જિલ્લાના કલ્યાણપુરમાં દોઢ અને ખંભાળિયા તાલુકામાં પોણો ઈંચ કમોસમી વરસાદ વરસ્યો છે.