૧૧ લાખનો મુદામાલ સીઝ કરી રોયલ્ટી ઈન્સ્પેક્ટરે ચાર વ્યક્તિઓ વિરૂદ્ધ નોંધાવી ઉપલેટા પોલીસમાં ફરિયાદ

  • 2:47 pm January 10, 2022

રાજકોટ ખાણખનીજ વિભાગ દ્વારા નાગવદરની ગેરકાયદેસર ખનીજ ચોરીમાં રેડની કામગીરી દરમિયાન ઝપાઝપી થતા નોંધાઈ પોલીસ ફરિયાદ

૧૧ લાખનો મુદામાલ સીઝ કરી રોયલ્ટી ઈન્સ્પેક્ટરે ચાર વ્યક્તિઓ વિરૂદ્ધ નોંધાવી ઉપલેટા પોલીસમાં ફરિયાદ

ઉપલેટા તાલુકાના નાગવદર ગામની વેણુ નદીમાં ગેરકાયદેસર ખનીજ ચોરી અંગેની ખનીજ વિભાગને મળેલી બાતમીના આધારે રેડ કરી ૧૧ લાખનો મુદામાલ સીઝ કરેલ હતો ત્યારે સીઝ કરેલ મુદામાલ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લઈ જતા હતા ત્યારે નાગવદર ગામના બસ સ્ટેસન પાસે તેમને રોકી ઝપાઝપી કરી અને ગાળાગાળી કરાઈ હોવાનું સામે આવેલ ત્યારે ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેક્ટર દ્વારા સમગ્ર બાબતને લઈને ઉપલેટા પોલીસમાં ગાળાગાળી કરી અને ઝપાઝપી કરી ફરજ રૂકાવટ કરવાની બાબતને લઈને નાગવદરના ચાર વ્યક્તિઓ વિરૂદ્ધ ઉપલેટા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

રાજકોટ ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેક્ટર સંજયભાઈ સુંદરજીભાઈ બારૈયાએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે રાજકોટ માઈન સુપરવાઈઝર પ્રતાપભાઈ મકવાણા, હિતેશભાઈ સોલંકી, સર્વેયર વિરલભાઈ જોશી, જીગ્નેશભાઈ બારોટ તેમજ સિક્યોરીટી કેસરીસિંહ ચૌહાણ, યુનુસભાઈ મુખાસમ સહિતનાઓ બાતમીના આધારે ઉપલેટાના નાગવદર ગામે વેણુ નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરીની બાતમીના આધારે ખાનગી વાહનમાં રેડ કરવા ગયેલ જે દરમિયાન નાગવદર ગામે ખનીજ વિભાગના કર્મીને એક રેતી ભરેલ ટ્રેક્ટર અને તેમની પાછળ એક નંબર પ્લેટ વગરનું લોડર મળેલ હતું જે બાદ તેમને રોકવામાં આવેલ તે દરમિયાન ચાલી જવાની કોશિશ કરતા ખનીજ કર્મીઓએ તેમને ઝડપી લીધા અને તેમની પાસે રોયલ્ટી માંગતા નહિ હોવાનું સામે આવેલ જે બાદ ખનીજ વિભાગના કર્મીઓએ જી.જે. ૦૩ એચ.એ. ૧૩૨૮ નંબરનું ટ્રેક્ટર તેમજ જી.જે. ૦૩ એ.ટી. ૫૬૮૫ નંબરના ટ્રેલર ઉપરાંત  નંબર પ્લેટ વગરના લોડર સહીત કુલ રૂપિયા ૧૧ લાખનો મુદામાલ ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અર્થે ઉપલેટા ખાતે રવાના થયેલ તે દરમિયાન નાગવદર ગામના બસ સ્ટેન્ડ પાસે અમુક વ્યક્તિઓ દ્વારા તેમને રોકી તેમની સાથે ઝપાઝપી કરી ગાળાગાળી કરી અને સોક્યોરીટીનો કાઠલો પકડી લોડરમાંથી ઉતારી મૂકી લોડર લઈ ભાગી છુટેલ હતા.

આ સમગ્ર રેડની કામગીરી દરમિયાન ઝપાઝપીની ઘટના બન્યા બાદ રાજકોટ ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર સંજયભાઈ સુંદરજીભાઈ બારૈયાએ નાગવદર ગામના રત્નાભાઈ રબારી, રાજભાઈ રબારી, વિજયભાઈ રબારી તેમજ સાગરભાઈ જેસાભાઈ ભીંટ વિરૂદ્ધ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે ત્યારે ઉપલેટા પોલીસે ચાર વ્યક્તિઓ વિરૂદ્ધ ઈ.પી.કો. કલમ ૩૩૨, ૫૦૪, ૧૧૪ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.