ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકની સાધારણ સભા સંપન્ન

  • 5:41 pm May 26, 2022

કોરોના કાળની અસરો હોવા છતાં બેંકનો  ચોખ્ખો નફો ૩.૩૯ કરોડ

15 ટકા ડિવિડન્ડ ની જાહેરાતથી સભાસદોમાં ખુશી 

છેલ્લા બે વર્ષના વિશ્વવ્યાપી કોરોનાના કપરા કાળમાં સૌએ તેના માઠા પરિણામો ભોગવ્યા છે. કોરોનાની અસર બેંકની કામગીરી ઉપર પણ પડી છે. પરંતુ ખેડૂતો અને થાપણદારોના સાથ અને સહકારથી આપણે ઉભા થઇ ફરી વિકાસની દિશામાં આગે કૂચ કરી રહ્યા છે તેમ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંકના ચેરમેન અરુણસિંહ રણાએ બેંકના સભાખંડમાં યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં સભાસદોને સંબોધતા કહ્યું હતું.

 

ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકની ૧૧૫મી વાર્ષિક સાધારણ સભા બેંકના સભાખંડમાં ચેરમેન અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સભામાં બેંકના વાઇસ ચેરમેન કરશનભાઇ પટેલ, મેનેજીંગ ડિરેકટર અજયસિંહ રણા, ડિરેકટર અને ગુજકોમસોલના ચંદ્રકાંતભાઈ પટેલ સહિતના ડિરેક્ટરો અને સહકારી આગેવાનો તથા સભાસદોની હાજરીમાં બેંકના વાર્ષિક હિસાબો રજૂ કરાયા હતા. 
સાધારણ સભામાં ચેરમેન અરુણસિંહ રણાએ બેંકના વિકાસ વિશે વાત કરતા કહ્યું હતું કે 
કોરોના કાળના કારણે વર્ષ ૨૦૨૦-૨૧ માં બેંકનો નફો માત્ર માત્ર રૂપિયા ૭૬ લાખ હતો જ્યારે ૨૦૨૧-૨૨ માં  ૩.૩૯ કરોડ ચોખ્ખો નફો થયો છે એટલે ચાલુ વર્ષે ૧૫ ટકા ડિવિડન્ડ અને કર્મચારીઓને એક પગાર બોનસમાં આપવાની જોગવાઈ કરી છે. બેંકનો ચિતાર આપતા તેમણે કહ્યું હતું કે બેંકમાં ૨૦૨૨માં ૧૨૦૦ બાવન કરોડની ડિપોઝીટ છે જે બેંકની વિશ્વસનીયતાનું પ્રમાણપત્ર છે. થાપણોની સુરક્ષા માટે પોણા બે કરોડ રૂપિયાનું વીમા પ્રીમિયમ બેન્ક ચૂકવે છે.

બેંકની આર્થિક સ્થિતિનો ચિતાર આપતા ચેરમેને જણાવ્યું હતું કે આજે બેંકનું શેરભંડોળ ૬.૮૧ કરોડ,  રિઝર્વ અને અન્ય ફન્ડો ૧૮૧ કરોડ, ધિરણો ૬.૬૮ કરોડ છે. એન.પી.એ. અને કેસીસી ધિરાણની વસુલાત અંદાઝે ૧૧.૩૦ કરોડ છે. 
બેંકની સુવિધાઓ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે બેંકમાં આર.ટી.જી.એસ., એન.ઇ.એફ.ટી. અને આઈ.એમ.પી.એસ. જેવી ત્વરિત ફન્ડ ટ્રાન્સફર જેવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. ગ્રાહકોને એસ.એમ.એસ. એલર્ટ સુવિધા, કોઈ પણ શાખામાં લેવડ દેવડ કરવા સી.બી.એસ.સિસ્ટમ, ૨૩ એટીએમ કાર્યરત, બેંકની વેબસાઈટ પરથી યુટીલિટી પેમેન્ટ, ભારત બિલ પેમેન્ટ સુવિધા, એટીએમ પર ગ્રીન પિન સુવિધા સહિત અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. યુટીઆઈ  કમ્પની સાથે ટાઈઅપ કરી પાનકાર્ડ કાઢવાની સુવિધા પણ બેંકમાં ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું જણાવી. સૌ સભાસદો અને થાપણદારોના સાથ અને સહકારથી આગામી દિવસોમાં ભવ્ય શિક્ષણ ભવન અને પાર્કિંગ ઝોન બનાવવામાં આવશે તેમ જણાવી બેંકના વિકાસમાં સહયોગી બનવા બદલ બેંકના ડિરેક્ટર્સ, સભાસદો, મંડળીઓ અને થાપણદારોના પ્રત્યે તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
રિઝવાન સોડાવાલા ભરૂચ