સાંતલપુર તાલુકામાં સરકારી અનાજનો જથ્થો બારોબાર પગ કરી જવાની ઉઠી બુમ રાડો; સરકારી નિયમો નેવે મુકી દુકાનોના ચાર્જ આપવામાં આવ્યા..

  • 6:06 pm March 14, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સસ્તા અનાજની દુકાનદારો ની ચાલતી લાલિયાવાડી થી પ્રજા પરેશાની ભોગવી રહી છે.તાલુકામાં ફેર પ્રાઈઝ ના પ્રમુખ દ્વારા દુકાનદારો પાસેથી દિવાળી નિમિતે મોટી રકમ ભેગી કરીને સ્થાનિક અધિકારીને ખુશ કરવામાં આવે છે જેને લઇને દુકાનદારો સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચી તગડી કમાણી કરતા હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

સાંતલપુર તાલુકામાં અધિકારીઓ અને દુકાનદારો ની સાઠગાંઠ સામે આવી હતી જેમાં સરકારી નિયમો નેવે મૂકીને કેટલાક દુકાનદારોને બીજી દુકાનોના ચાર્જ આપવામાં આવ્યા હતા.જ્યારે દુકાનના બોર્ડ લગાવવા ફરજિયાત હોવા છતા કેટલીક દુકાન સંચાલકો દ્વારા બોર્ડ પણ લગાવેલ નથી જેને લઇને કાર્ડ ધારકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સાંતલપુર તાલુકાના ચારણકા ખાતે સરકારી કોમ્યુનિટી હોલમાં ગેરકાયદેસર સસ્તા અનાજની દુકાન ચાલતી હોવાનુ અને દુકાનદાર દ્વારા અનિયમિત જથ્થાનું વિતરણ કરવામાં આવતું હોવાનુ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતુ. જ્યારે આ દુકાન સંચાલકને બીજી દુકાનનો ચાર્જ આપવામાં આવેલો છે જે નિયમ અનુસાર છે કે નહી તેની તપાસ થવા માંગ ઉઠવા પામી હતી. તાલુકામાં સરકારી અનાજની દુકાનદારો સામે તપાસ કરી કાળાબજારિયા સામે પગલા ભરવા લોક માંગ ઉઠવા પામી છે.