ઓલપાડ અને સુરતને જોડતા સરોલી બ્રિજનું કામ પૂર્ણ થવા છતાં પણ બ્રિજનું ઉદઘાટન ન થતા લોકોમાં રોષ..

  • 5:18 pm March 15, 2023
રિપોર્ટર- એજાજ શેખ

 

સરોલી બ્રિજનું ઉદ્ધાટન ક્યારે..!? લોકો પણ હવે કંટાળ્યા..

સુરતમાં ઓલપાડ અને સુરતને જોડતા સરોલી બ્રિજનું કામ પૂર્ણ થવા છતાં પણ બ્રિજનું ઉદઘાટન ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકા આ બ્રિજનું લોકાર્પણ નહીં કરે તો લોકો જાતે જ બ્રિજ ઉપરથી પસાર થવાનું શરૂ કરી દે તો નવાઈ નહીં.

સિલ્ક સીટી ડાયમંડ સિટી ની સાથે સાથે સુરત બ્રિજ સિટી તરીકે પણ ઓળખ પામ્યું છે ત્યારે સુરત શહેર ઓલપાડ તાલુકાને જોડતા સરોલી બ્રિજનું કામ 15 દિવસ પહેલા પૂર્ણ થઈ ચૂક્યું છે. 15 દિવસથી આ બ્રિજ લોકાર્પણની રાહ જોઈ રહ્યો છે. રાજ્યના મોટા નેતાઓનો ન મળતા આ બ્રિજ ઉપરથી અવર-જવર કરી રહેલા હજારો લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. હાલ ઓલપાડ અને સુરતને જોડતો સરોલી બ્રિજ કાર્યરત છે પરંતુ ગત ચોમાસામાં આ બ્રિજ ખરાબ થઈ ગયો હોવાથી બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે નવા બ્રિજનું કામ પૂર્ણ થવા છતાં પણ બ્રિજને લોકો માટે ઉપયોગમાં નહીં લવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

બ્રિજ બનીને તૈયાર હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા આ બ્રીજના ઉદઘાટનમાં મુખ્યમંત્રીને બોલાવવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા ઉદઘાટન અંગેની તારીખ નહીં ફાળવવામાં આવતા આ બ્રિજ હાલ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યો છે ઓલપાડ તાલુકાના વિવિધ ગામોથી હજારો લોકો સુરત શહેરમાં રોજીરોટી મેળવવા માટે આવતા હોય છે અહીં આવતા આ લોકો સવારે અને સાંજે પીક અવર્સમાં ભારે ટ્રાફિકજામનો સામનો કરતા હોય છે ટ્રાફિકજામને કારણે લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે જેને કારણે સમય અને ઈંધણ બંનેનો વ્યય થાય છે. સુરત મહાનગરપાલિકાના મેયરે આ બ્રિજ નું લોકાર્પણ જલ્દી કરવામાં આવશે એવી બાહેધરી આપી છે પરંતુ તેઓ પણ બ્રિજ નું ઉદઘાટન ક્યારે કરવામાં આવશે તે અંગે ચોક્કસ તારીખ નથી આપતા.

સુરત મહાનગરપાલિકા જલ્દીથી આ બ્રીજનું ઉદઘાટન કરી અવર-જવર કરતા લોકોને આપે એવી લોકોની માંગણી છે જલ્દીથી આ બ્રિજનું ઉદ્ઘાટન નહીં કરવામાં આવે તો લોકો જાતે આ બ્રિજ ઉપરથી અવર જવર કરવાની શરૂ કરી દેશે.