સુરતમાં જાહેરમાં થૂંકીને શહેરની 'સૂરત' બગાડનારાઓ સામે તંત્રએ કરી લાલ આંખ; અનેક થૂંકબાઝ સીસીટીવી કેમેરામાં કેદ, 18,000 લોકોને 2 લાખનો ફટકાર્યો દંડ..
- 5:37 pm March 15, 2023
સુરતમાં જાહેરમાં થૂંકીને શહેરની 'સૂરત' બગાડનારાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. આવા અનેક થૂંકબાઝ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ત્યારે તંત્રએ 18,000 લોકો સામે કાર્યવાહી કરી 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
સુરત મહાનગરપાલિકા શહેરને સ્વચ્છતામાં નંબર વન લાવવા અનેક કવાયત હાથ ધરી છે. હવે જાહેરમાં થૂંકનારા લોકો સામે તવાઈ આવી ગઈ છે. કારણ કે, આવા લોકો પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. જાહેર રસ્તા પર કોઈ થૂંકતા નજરે આવે તો તેમને ઈ-ચલણ મોકલવામાં આવે છે.
છેલ્લા કેટલાક દિવસથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને જાહેર રસ્તા પર થૂંકનારા 18,000 લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ લોકોને 2,00,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે હવેથી જાહેર રસ્તા પર થૂંકનારા લોકોને એલર્ટ થઈ જવાની જરૂર છે. કારણ કે, ત્રીજી આંખ તેમની ઉપર બાજ નજર રાખી રહી છે.
શહેરનાં મેયર હેમાલી બોઘાવાળાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત, સ્વચ્છ સુરત હેઠળ નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા અને શહેરની જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે ખાસ પહેલ કરવામાં આવી છે. ખાસ કરીને જાહેરમાં થૂંકતા અને ગંદકી ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરવા મહાનગરપાલિકાના ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર માધ્યમથી મહાનગરપાલિકા તેમ જ સુરત પોલીસ વિભાગના વિવિધ જાહેર સ્થળો ઉપર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરીને જાહેર સ્થળ પર થૂંકતા લોકોની ઉપર નજર રાખી દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને પહેલી એપ્રિલથી આરટીઓ સાથે ઈન્ટિગ્રેશન કરીને આ પ્રકારની ગંદકી ફેલાવતા લોકોને ઈ-મેમો દ્વારા વધુમાં વધુ દંડ ફટકારવામાં આવશે, પરંતુ અમને વિશ્વાસ છે કે, સુરતની પ્રજાએ હરહંમેશ સાથ આપ્યો છે અને સ્વચ્છતામાં શહેરને નંબર વન લાવવા પણ સુરતના લોકો સહકાર આપશે. અત્યાર સુધીમાં 18,000 લોકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે અને 2 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ આંકડો હવે ધીમે ધીમે સુરતને સ્વચ્છતામાં નંબર વન લઈ જશે.