સાયબાપુરની મહિલાએ પતિ અને સસરાના ત્રાસથી જીવન ટૂંકાવ્યું; ખોટો વહેમ રાખી મારઝુડ કરતા ઝેરી દવા ગટગટાવી..

  • 6:27 pm March 15, 2023
રિપોર્ટર- જાકીર મેમણ‌‌‌

 

- પ્રતિકારાત્મક તસવીર

હિંમતનગર તાલુકાના સાયબાપુર ગામની એક પરિણીતાને તેણીના પતિ અને સસરા ધ્વારા ચારિત્ર્ય પર વહેમ રાખી અવારનવાર મારઝુડ કરવામાં આવતી હતી. તેમજ ધણી વખત માનસિક ત્રાસ આપી મરી જવા સુધીની દુષ્પ્રરણા આપવા બદલ કંટાળીને આ મહિલાએ ૬ મહિના અગાઉ ઝેરી દવા પી લઈ મોતને વ્હાલુ કરી લેતા પરિણીતાના પિતાએ જમાઈ અને તેણીના સસરા વિરૂધ્ધ મંગળવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના શાહપુર વડ ગામના રમેશભાઈ રામાભાઈ રાવળએ નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેમની દિકરી આરતીબેનના લગ્ન સાયબાપુર ગામે રહેતા ગોવિંદભાઈ કાળુભાઈ રાવળ સાથે કરાયા બાદ છેલ્લા બે વર્ષથી આરતીબેનના ચારિત્ર્ય પર પતિ અને સસરા કાળુભાઈ રામાભાઈ રાવળ ધ્વારા ખોટો વહેમ અને શક રાખી મારઝુડ કરી શારિરીક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એટલુ જ નહી પણ આરતીબેનના પતિ અને સસરા ધ્વારા અવારનવાર કટુવેણ બોલી ત્રાસ આપી મરવા સુધીની દુષ્પ્રરણા અપાતી હતી. જેથી કંટાળીને આરતીબેને ગત તા. ૨ સપ્ટેમ્બર ૨૦૨૧ થી અત્યાર સુધીના સમયગાળા દરમ્યાન આરતીબેને પોતાના ઘરે ઝેરી દવા પી લઈ મોતને વ્હાલુ કરી લીધુ હતુ. જેથી રમેશભાઈ રાવળે સાયબાપુરના ગોવિંદભાઈ રાવળ અને કાળુભાઈ રાવળ વિરૂધ્ધ મંગળવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.