ભાવનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ઇન્ડિકેટર્સના સુધારાત્મક પગલાં અંતર્ગત મનોમંથન અને પ્લાનિંગ વર્કશોપનું આયોજન કરાયું..

  • 7:32 pm March 15, 2023

 

આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા આરોગ્યના ખૂબજ અગત્યના વિવિધ હેલ્થ ઇન્ડિકેટર્સના સુધારાત્મક પગલાં અંતર્ગત મનોમંથન અને પ્લાનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગર ખાતે તા-૧૪ માર્ચના રોજ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા જિલ્લાના અધિકારીઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર, પ્રોગ્રામ ઓફિસર આઇસીડીએસ,મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેક્નિશિયન, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર , એમ. પી. એચ. એસ. સ્ત્રી આરોગ્ય કાર્યકર , પુરુષ આરોગ્ય કાર્યકર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આંગણવાડી કાર્યકર, મુખ્ય સેવીકા, સીડીપીઓ અને આશા બહેનો દ્વારા આરોગ્યના ખૂબ જ અગત્યના એવા હેલ્થ ઇન્ડિકેટર્સ - માતા મરણ, બાળમરણ, રસીકરણ, ઓછા વજનવાળા બાળકો, પાંડુરોગ ધરાવતી મહિલાઓ એપીડેમિક ને કારણે થતા મરણ, માનસિક આરોગ્ય, સગર્ભા અને બાળકોનું પોષણ, સેક્સ રેશિયો એટ બર્થ, બિનચેપી રોગો તેમજ કુટુંબ કલ્યાણ કાર્યક્રમ જેવા ખૂબ જ અગત્યના વિષયોને ધ્યાને લઈ હાલની જિલ્લાની પરિસ્થિતિ તેમજ ગુજરાત રાજ્યની સ્થિતિ અને ભવિષ્યમાં કયા કયા સુધારાત્મક પગલાંઓ થકી , અને નવું રિસર્ચ તેમજ ઇનોવેશન દ્વારા જિલ્લાના છેવાડાના માનવી સુધી આરોગ્યની યોજનાઓ વધુ અસરકારક રીતે અમલીકૃત કરી શકાય, માતા મરણ તેમજ બાળમરણ અટકાવી શકાય અને પોષણના સ્તર સુધારી, એનેમીયા મૂક્ત કરી શકાય જેવા વિવિધ વિષયો અંતર્ગત મનોમંથન કરી અને અસરકારક પગલાંઓને તારવવામાં આવ્યા અને તે દિશામાં અમલીકરણ માટેની સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આરસીએચ અધિકારી દ્વારા જિલ્લાના તેમજ તાલુકાના અધિકારીઓ સાથે અગાઉ બેઠક પણ કરવામાં આવી હતી  જેથી આ કાર્યક્રમને વધુ અસરકારક બનાવી શકાય. 

વર્કશૉપની સાથે બુધવાર નો દિવસ હોય નેશનલ આયર્ન પ્લસ ઇનિસીએટીવ  કાર્યક્રમ અંતર્ગત તમામ હાજર કર્મચારી અને અધિકારીઓને નજર સમક્ષ આયર્ન ફોલિક એસિડ ગોળીનો ડોઝ આપવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા આઈ.સી.ડી.એસ. વિભાગ અંતર્ગત આપવામાં આવતા માતૃશક્તિ ,પૂર્ણ શક્તિ અને બાલશક્તિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેના ફાયદા અને વિવિધ રેસીપી જન જન સુધી પહોચાડવા આહ્વાન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન  વિક્રમભાઈ ડાભી ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેરણાત્મક માર્ગદર્શન પણ આપ્યું હતું. આ પ્રોગ્રામમાં અસરકારક રીતે ભાગ લેનાર  કર્મચારીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.