આસામ સરકારના નિર્ણયથી સુરત સાડીના વેપારીઓને 1000 કરોડનું નુકસાન..

  • 7:24 pm March 16, 2023
રિપોર્ટર- એજાજ શેખ

 

સુરત: એશિયાનો સૌથી મોટો કાપડનું હબ સુરત શહેર છે, અહીં દરેક રાજ્યને ધ્યાનમાં રાખીને સાડી અને અન્ય કાપડનું ઉત્પાદન થતું હોય છે.

વર્ષોથી અહીં આસામની મહિલાઓ જે પરંપરાગત સાડી પહેરે છે તેવી મેખલા ચાદર સાડીનો ઉત્પાદન થાય છે. પરંતુ આ સાડીનો ઉત્પાદન કરનાર વેપારીઓ હાલ ચિંતામાં મુકાય ગયા છે. કારણ કે, આસામ સરકાર દ્વારા મેખલા ચાદર સાડીના વેપાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આસામની મહિલાઓને ધ્યાનમાં રાખી સુરતમાં આ ખાસ સાડીઓ તૈયાર થતી હોય છે. હવે આસામમાં 14મી એપ્રિલના રોજ બીહુ પર્વને ધ્યાનમાં રાખી એડવાન્સમાં જ વેપારીઓએ આ સાડીના ઉત્પાદન માટે ગ્રે કાપડ સહિતના તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ સરકાર દ્વારા પ્રતિબંધ મુકાતા તેઓ હવે ચિંતામાં મુકાયા છે.

28 ફેબ્રુઆરીના રોજ એક નોટિફિકેશન જાહેર : ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, મેખલા ચાદર નામની સાડીઓ સુરતના વેપારીઓ બનાવે છે. આસામ સરકારે 28 ફેબ્રુઆરીના રોજ એક નોટિફિકેશન જાહેર કરીને એક માર્ચથી મેખલા ચાદર સાડીની ખરીદી પર પ્રતિબંધ મૂકી દીધો છે. પોતાના સ્વદેશી કારીગરોને પ્રોત્સાહન આપવા માટે તેઓએ આ નિર્ણય લીધો છે. 1985 નોટિફિકેશન મુજબ તેઓએ જણાવ્યું છે કે, કોઈપણ આ સાડી ખરીદશે તો તેની પર કાર્યવાહી કરવામાં આવશે.