શક્તિપીઠ પાવાગઢમાં શ્રીફળ નહીં વધેરવાના ટ્રસ્ટના નિર્ણયનો વિરોધ: 'ઔરંગઝેબી નિર્ણય પરત ખેંચો, AHP(આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ)એ કલેક્ટરને આપ્યું આવેદન..

  • 7:48 pm March 16, 2023
રિપોર્ટર- સિકંદર પઠાણ

 

ઔરંગઝેબી નિર્ણય પરત ખેંચોના નારા સાથે AHPએ કલેક્ટરને આવેદન આપ્યું

સાળંગપુર હનુમાનજી મંદિર જેવી શ્રીફળ વધેરવાની વ્યવસ્થા ઉભી કરવા માંગણી

શક્તિપીઠ પાવાગઢ ખાતે છોલેલું શ્રીફળ નહીં લઈ જવા તેમજ શ્રીફળ નહીં વધેરવા દેવાના નિર્ણયનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP) દ્વારા વિરોધ વ્યક્ત કરી વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. આ દરમિયાન સંગઠનના કાર્યકરો દ્વારા ઔરંગઝેબી નિર્ણય પરત ખેંચોની નારેબાજી પણ કરી હતી. તેમજ સાળંગપુર મંદિર ખાતે શ્રીફળ વધેરવાની વ્યવસ્થા છે, તેવી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની માંગણી કરવામાં આવી હતી અંબાજી ખાતે મોહનથાળના પ્રસાદને લઇને વિવાદ માંડ થાળે પડ્યો છે, ત્યારે હવે શક્તિપીઠ પાવાગઢ ખાતે પ્રસાદને લઇનો નવો વિવાદ શરૂ થયો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, પાવાગઢમાં શક્તિપીઠ અંબાજી મંદિર પરિસરમાં છોલ્યા વિનાનું નાળિયર જ લઇ જવા દેવામાં આવશે. સાથે ત્યાં મંદિર પાસે નાળિયેર પણ વધેરવા દેવામાં આવતું નથી. જેથી જે ભક્તોએ નાળિયેર વધેરવાની બાધા લીધી હોય તેઓ બાધા પૂર્ણ કરી શકતા નથી અને તેમની આસ્થાને ઠેસ પહોંચી રહી છે.

આ મુદ્દે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડોદરા મહાનગર ઉપાધ્યક્ષ ઉમેશ જોષીએ દિવ્યભાસ્કર સાથેની વાતમાં જણાવ્યું હતું કે, પાવાગઢમાં થોડા દિવસ અગાઉ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવેથી અહીંયા શ્રીફળ વધેરવામાં નહીં આવે. ભક્તો અહીં વર્ષોથી માનતા પૂર્ણ થતાં શ્રીફળ વધેરવાની બાધા રાખતા હોય છે. ત્યારે શ્રીફળ વધેરવાની પરંપરા જારી રહેવી જોઇએ. આ માંગણીને લઇને અમે વડોદરા કલેક્ટરેને આવેદન આપ્યું છે. થોડા દિવસ અગાઉ શક્તિપીઠ અંબાજી ખાતે પણ મોહનથાળના પ્રસાદને લઇને વિવાદ થયો હતો અને તે નિર્ણય પરત લેવામાં આવ્યો છે. આ પ્રકારના ઔરંગઝેબી નિર્ણયો મોગલ શાસનકાળમાં લેવામાં આવતા હતા. આવા નિર્ણયોથી હિન્દુઓની લાગણી દુભાય છે.ઉમેશ જોષીએ ઉમેર્યું કે, અમે આ મુદ્દે સરકારને જગાડવા માટે આવ્યા છીએ. જો આગામી દિવસોમાં અમારી માંગણી નહીં સ્વિકારવામાં આવે તો અમે ઘંટનાદ અને ઘરણા કરીશું. છતાં સરકાર નહીં જાગે તો અમે ચલો પાવાગઢ આંદોલન કરી લાખો ભક્તો સાથે પાવાગઢ જઇને 101 નાળિયેર વધેરવાનો સંકલ્પ લઇએ છીએ.શ્રીફળ વિવાદ અંગે રાષ્ટ્રીય મહિલા પરિષદ-ઓજસ્વીની વડોદરા મહાનગરના અધ્યક્ષ સેજલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ભક્તો બાધા પૂર્ણ કરવા માટે નાળિયેર વધેરતા હોય છે. જો મંદિર જઇને બાધાનું નાળિયેર વધેરે તો જ બાધા ફળતી હોય છે નહીં તો બાધા ફળતી નથી. બાધાનું શ્રીફળ ઘરે પરત લઇ જઇ શકતું નથી. ટ્રસ્ટે પોતાનો નિર્ણય પરત લેવો જ પડશે.