વડોદરા સયાજીબાગ ઝૂમાં હિપ્પોપોટેમસે સિક્યુરિટી જવાન ઉપર જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજા પહોંચી; સિક્યુરિટી જવાનનો પગ કાપવો પડે તેવી પરિસ્થિતિ..

  • 7:57 pm March 16, 2023
રિપોર્ટર- સિકંદર પઠાણ

 

આફ્રિકન મૂળના પ્રાણી હિપ્પોના હુમલામાં વર્ષે 500 જેટલા લોકોના મોત થાય!

કરોડો રૂપિયાનો ખર્ચ કરતું કોર્પોરેશન કમાટીબાગમાં કાયમી વેટેરનરી તબીબની નિમણૂંક કરતું નથી, હિપ્પોએ ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી જવાન પર હુમલો કર્યો હતો

બંને ઇજાગ્રસ્તો હજુ પણ સંપૂર્ણ સ્વસ્થ ન હોવાના કારણે સારવાર અપાઇ રહી છે

વડોદરા સયાજીબાગ ઝૂમાં હિપ્પોપોટેમસે રાઉન્ડમાં ગયેલા ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી જવાન ઉપર જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજા પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તો હજુ પણ સંપૂર્ણ સ્વસ્થ ન હોવાના કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઝૂ ક્યુરેટરે બચકાં ભરી રહેલા હિપ્પોથી બચવા માટે મરી જવાનો ડોળ કર્યો ન હોત તો કદાચ તેઓને હિપ્પોએ મારી નાખ્યા હોત. જોકે, સિક્યોરિટી જવાનને પોતાનો જમણો પગ ગુમાવવાનો વખત આવ્યો છે.

સયાજી બાગમાં વિવિધ પ્રકારના હિંસક પ્રાણીઓનું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ ક્યુરેટર તરીકે પ્રત્યુષ પાટણકર ફરજ બજાવે છે. સમયાંતરે ઝૂ ક્યુરેટર સિક્યોરિટી જવાન સાથે પ્રાણીઓની આરોગ્યલક્ષી તપાસ માટે જતા હોય છે. તા. 9 માર્ચના રોજ પણ ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર સિક્યોરિટી જવાન સાથે પ્રાણીઓની સુરક્ષા તેમજ આરોગ્યલક્ષી તપાસ માટે રાઉન્ડમાં નીકળ્યા હતા. જેમાં તેઓ હિપ્પોપોટેમસને રાખવામાં આવતા પિંજરામાં ગયા હતા. દરમિયાન હિપ્પોપોટેમસે એકાએક ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અને ઝૂ ક્યુરેટરને બચાવવા માટે પ્રયાસ કરનાર સિક્યોરિટી જવાન રોહિતભાઇ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.હિપ્પોએ કરેલા જીવલેણ હુમલામાં પ્રત્યુષ પાટણકર અને સિક્યોરિટી જવાનને મલ્ટીપલ ફ્રેક્ચર થયા છે. તેમજ હિપ્પો મારેલા દાંતથી ગંભીર ઇજા પહોંચી છે. બંને ઇજાગ્રસ્તોને અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જેમાં ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરને નરહરી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેજ રીતે ઇજાગ્રસ્ત સિક્યોરિટી રોહિતભાઇને પણ જેતલપુર રોડ ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેઓના એક કરતા વધુ અંગોને ગંભીર ઇજા પહોંચી છે. સિક્યોરિટી રોહિતભાઇનો જમણો પગ કાપવાની સ્થિતી સર્જાઇ છે. તેમ વડોદરા કોર્પોરેશનના પાર્કસ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર મંગેશ જયશ્વાલે જણાવ્યું હતું.

ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાના અગ્રણી રાજ ભાવસારે જણાવ્યું હતું કે, કમાટીબાગમાં હિપ્પો દ્વારા ઝૂ ક્યુરેટર અને સિક્યોરિટી જવાન ઉપર કરાયેલા હુમલાની ઘટના ગંભીર છે. હિપ્પો એ આફ્રિકન મૂળનું પ્રાણી છે. હિપ્પોના હુમલામાં વર્ષે 500 જેટલા લોકો મોતને ભેટતા હોય છે. તે બાબતથી ઝૂ ક્યુરેટર પણ અજાણ નહીં હોય. તેમ છતાં, તેઓ કોઇ પણ સેફ્ટી વગર હિપ્પો પાસે કોઇ પણ કારણસર ગયા તે તેમની ભૂલ ગણી શકાય. દુનિયામાં મોટા કદના પ્રાણીઓમાં ત્રીજા નંબર હિપ્પો આવે છે. પ્રથમ સ્થાને હાથી અને બીજા સ્થાને ગેંડો આવે છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઇપણ હિંસક પ્રાણીની સારવાર કરવાની હોય તો તેને બેભાન કરવું જરૂરી છે. અને તે કામ વેટેરનરી તબીબનું છે. કમાટીબાગમાં કાયમી એક પણ વેટેરનરી ડોક્ટર નથી. ક્યારેક જરૂર પડે ત્યારે આણંદથી બોલાવવા પડે છે. અથવા તો પ્રાઇવેટ પ્રેકટીસ કરતા વેટરનરી ડોક્ટરને બોલાવવા પડે છે. વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરતા કોર્પોરેશન દ્વારા કમાટીબાગમાં વેટેરનરી તબીબની કાયમી નિમણૂંક કરવામાં આવતી નથી.

હિપ્પોમાં 8 માસનો ગર્ભ રહે છે. અને તેનો હિટનો સમય ફેબ્રુઆરી-ઓગષ્ટનો હોય છે. આ સમયગાળાની આસપાસ હિપ્પો જેવા હિંસક પ્રાણી સામે કોઇપણ સેફ્ટી વગર જવું જોખમ કારક હોય છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીની ગાઇડ લાઇન મુજબ કોઇપણ હિંસક પ્રાણીના પિંજરામાં જઇ શકાય નહીં. અને જો કોઇપણ પ્રાણીની ટ્રીટમેન્ટ કરવાની હોય તો ત્રણ સ્ટેજ પાર કર્યા બાદ કરી શકાય છે. અને તે માટે ઝૂ ક્યુરેટર નહિં. પરંતુ, વેટેરનરી ડોક્ટર હોવા જરૂરી છે. કોઇપણ ફીમેલ હિંસક પ્રાણી હીટમાં આવે ત્યારેજ આક્રમક બનતું હોય છે.

વડોદરા કોર્પોરેશનના પાર્કસ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર મંગેશ જયશ્વાલે જણાવ્યું હતું કે, હિપ્પોના હુમલાનો ભોગ બનેલા ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર હજુ સારવાર હેઠળ છે. તેઓની તબિયતમાં સુધાર છે. તેઓના કેટલા અંગો ડેમેજ છે. તે અંગે ડોક્ટરોનો અભિપ્રાય લીધા પછી ખબર પડશે. જ્યારે સિક્યોરિટી જવાન રોહિતભાઇના જમણા પગને બચાવી શકાય તેમ નથી. સારવાર કરી રહેલા ડોક્ટરના અભિપ્રાય મુજબ તેમનો જમણો પગ કાપવો પડે તેવી સ્થિતી છે. પગ બચાવવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ, હવે પગ કાપવો પડશે.