વડાલીના હાથરવા ખાતે બાળ લગ્ન નાબૂદી જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

  • 4:34 pm March 17, 2023
રિપોર્ટર- જાકીર મેમણ‌‌‌

 

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં બાળ લગ્નપ્રતિબંધક અધિકારીની કચેરી, હિંમતનગર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે નિરાંત હોલ, હાથરવા ખાતે બાળ લગ્ન નાબૂદી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વડાલી તાલુકા પંચાયત પ્રમુખ બાબુભાઇ ખાંટએ તમામ સમાજના આગેવાનો સાથે તમામ સમાજોમાં બાળલગ્નનું પ્રમાણ ઘટાડવા અંગે સૂચન કર્યુ હતુ તેમજ આગામી સમયમાં યોજનાર લગ્ન અને સમૂહ લગ્નમાં બાળ લગ્ન ન થાય તેની કાળજી લેવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.એચ.પટેલ દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક ધારો-૨૦૦૬ના કાયદા વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ.એસ.પાંડોર દ્વારા બાળકો માટેના વિવિધ કાયદાઓ અને બાળકોની યોજનાઓ વિષે સમજ આપવામાં આવી હતી. વડાલી તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા બાળલગ્નથી આરોગ્ય પર થતી આડ અસરો વિષે સમજ આપવામાં આવી હતી. વડાલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બાળલગ્ન થકી બાળકોના શિક્ષણ પર થતી આડ અસરો વિશે વિગતવાર વાત કરવામાં આવી હતી. બાળ લગ્ન અટકાયત કાર્યક્રમનું આયોજન અને સંચાલન જિલ્લા બાળ સુરક્ષા એકમ-સાબરકાંઠાના મુકેશભાઈ સોલંકી (સંસ્થાકીય સંભાળ અધિકારી) અને દેવલબેન પટેલ (સામાજિક કાર્યકર) દ્વારા કરવામાં આવ્યું હતું. આ વડાલી તાલુકા પંચાયત ઉપપ્રમુખ રશ્મિકાબેન પટેલ, હાથરવા, અસાઈ (વાસણા), માલપુર અને વાસણ ગામના સરપંચો, સ્ટાફગણ તેમજ વિવિધ ગામના અલગ-અલગ સમાજના આગેવાન ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.