હિંમતનગરના મૂળ રહેવાસી અને દાહોદના જિલ્લા શિક્ષણ અધિકારી ₹10,000ની લાંચ લેતા ઝડપાયા..

  • 4:44 pm March 17, 2023
રિપોર્ટર- જાકીર મેમણ‌‌‌

 

 

નિવૃત્ત થતા શિક્ષકને પેન્શન કેસના કાગળમાં સહી કરી આપવા માટે દાહોદના મહિલા શિક્ષણાધિકારી દ્વારા ₹10,000 ની લાંચ માંગવામાં આવી હતી. જે મામલે ગુરુવારે એસીબીની ટીમે છટકો ગોઠવી શિક્ષણ અધિકારીને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

દાહોદની એક શાળામાંથી નિવૃત્ત થનાર શિક્ષક પોતાના પેન્શન કેસના કાગળોમાં કોઈ લેણા બાકી ન હોવા બાબતના પ્રમાણપત્રમાં સહી કરાવવા માટે દાહોદના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ગયા હતા જ્યાં તેઓએ શિક્ષણ અધિકારી કાજલબેન ગિરીશભાઈ દવેને સહી કરવા માટે કાગળિયા આપતા, કાજલબેને સહી કરવા માટે  ₹10,000 ની લાંચ માંગી હતી. જોકે શિક્ષકને લાંચ આપવી ન હોવાથી તેઓએ દાહોદના એસીબી પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. શિક્ષકની ફરિયાદના આધારે એસીબીએ લાંચના છટકાનો આયોજન કર્યું હતું. જે મુજબ આજે શિક્ષક દાહોદ જિલ્લા સેવા સદન ખાતે બીજા માળે આવેલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ શિક્ષણ અધિકારી કાજલબેન દવેને ₹10,000 લાંચની રકમ આપવા માટે પહોંચ્યા હતા. આ સમયે એસીબીની ટીમે લાંચ સ્વીકારતી વખતે કાજલબેનને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. એક તરફ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે જિલ્લામાં પરીક્ષાનું સુચારું આયોજન કરવાની જગ્યાએ જિલ્લા શિક્ષણ અધિકારી તેમની કચેરીમાં બેસીને કટકી કરવામાં વ્યસ્ત હતા. મૂળ સાબરકાંઠાના કાજલબેન દવે સામે અગાઉ પણ ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી હતી. દાહોદમાં પરીક્ષામાં કોપી કરવાના બનાવો બનતા હોવા છતાં પણ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કોઈ સુચારું આયોજન કરવામાં આવતું નથી. ખુદ શિક્ષણ અધિકારી જ પરીક્ષામાં ધ્યાન આપવાની જગ્યાએ પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત હોય તો શિક્ષણ ખાડે જ જાય તેમાં કોઈ બેમત નથી.