પાલેજ નગર સહિત પંથકમાં પુનઃ બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો..

  • 8:05 pm March 17, 2023
રિપોર્ટર- રિઝવાન સોડાવાલા

 

 

પાલેજ: ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં ઉનાળાના આગમન ટાણે અચાનક વાતાવરણમાં પલટો આવતા નગરજનો અચંબિત થઈ ઉઠ્યા હતા. શુક્રવારે બપોર બાદ  નગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા ડીબાંગ વાદળોની ફોજ આકાશમાં ચડી આવી હતી. જોતજોતામાં વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે બરફના કરા સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બનવા પામ્યું હતું. પવનના જોરદાર સુસુવાટા સાથે જ સમગ્ર નગરનો વીજ પુરવઠો બંધ થઈ જવા પામ્યો હતો. લગભગ અડધો કલાક સુધી વરસાદ વરસ્યો હતો. 

હાલ ઉનાળાની ઋતુનો પ્રારંભ થયો હોય ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ફાગણ માસમાં જાણે કે અષાઢી માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતો પણ વિમાસણમાં મુકાઇ ગયા છે.પાલેજ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બરફના કરા સાથે વરસાદ વરસ્યાના અહેવાલ સાંપડ્યા હતા. કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રો સેવી રહ્યા છે. વરસાદને પગલે નગરના માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા.વરસાદની સાથે બરફના કરા પણ પડયા હતા...