વડોદરા શહેરના સરદાર એસ્ટેટ પંપિંગ સ્ટેશનથી આજવા જંકશન સુધીજૂની ડ્રેનેજ લાઈન બદલવાની કામગીરી હજુ 3 મહિના ચાલશે..

  • 7:34 pm March 18, 2023
રિપોર્ટર- સિકંદર પઠાણ

 

કામગીરીનું નિરીક્ષણ કરી હાલ ઉભા થયેલા ડ્રેનેજ ચોકઅપ અને ગંદા પાણીની સમસ્યા હલ કરવા સુચના અપાઈ

પૂર્વ ઝોનમાં વિસ્તાર અને વસ્તી વધતા વર્ષો જૂની પ્રેશર લાઈનની ક્ષમતા હવે ઓછી પડે છે, માટે નવી નાખવાનું આયોજન કોર્પોરેશને હાથ ધર્યું હતું

વડોદરા શહેરના સરદાર એસ્ટેટ પંપિંગ સ્ટેશનથી આજવા જંકશન સુધી નવી ડ્રેનેજ પ્રેશર લાઈન નાખવાનું કામ 5.49 કરોડના ખર્ચે હાલ થઈ રહ્યું છે. કામગીરી પૂર્ણ થતા હજુ ત્રણેક મહિના થશે. પૂર્વ ઝોનમાં વિસ્તાર અને વસ્તી વધતા વર્ષો જૂની પ્રેશર લાઈનની ક્ષમતા હવે ઓછી પડે છે, માટે નવી નાખવાનું આયોજન કોર્પોરેશને હાથ ધર્યું હતું. આ કાર્ય પૂર્ણ થતા ડ્રેનેજ ચોક અપના પ્રશ્નો હલ થશે. હાલ કામગીરી ક્યાં પહોંચી છે અને કામગીરીના કારણે ડ્રેનેજ લાઈન પર ડમી મારવાથી ઘણા વિસ્તારોમાં ડ્રેનેજના પાણી બેક મારતા હોવાની ટેમ્પરરી સમસ્યા ઊભી થઈ છે. કેટલાક સ્થળે ગંદુ પાણી પણ આવે છે. આ બધી સમસ્યા ઉકેલવા શું થઈ શકે તે જાણવા સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ, પાણી અને ડ્રેનેજ વિભાગના કાર્યપાલક એન્જિનિયરો, કોર્પોરેટરો, ઇજનેરો વગેરેએ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.વડોદરાના પૂર્વ ઝોનમાં સરદાર એસ્ટેટ પંપિંગ સ્ટેશનની બે પ્રેશર લાઇન છે. જે પૈકી એક પ્રેશર લાઇન રાજીવનગર સુએજ પ્લાન્ટ ડ્રેનેજ ગ્રેવીટી લાઇનના ડ્રોપ ચેમ્બર મારફતે સુએજ પ્લાન્ટમાં જાય છે. જ્યારે બીજી પ્રેશર લાઇન ડભોઇ પંપીંગ સ્ટેશન જાય છે. કમલાનગર પંપીંગ સ્ટેશનની પ્રેશર લાઇન સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે આવેલ ડ્રોપ ચેમ્બરમાં જાય છે. આ બન્ને પ્રેશર લાઇન જુની અને જર્જરીત થયેલ હોવાથી વારંવાર લીકેજ થાય છે. જેથી જાહેર આરોગ્યલક્ષી પ્રશ્નો ઉપસ્થિત થાય છે. હાલમાં સરદાર એસ્ટેટ પંપીંગ સ્ટેશનના અપગ્રેડેશનની કામગીરી થઈ રહી છે. આ પંપીંગ સ્ટેશન અપગ્રેડ થવાથી તેમજ વધુ ક્ષમતાના પંપો કાર્યરત થવાથી હાલની પ્રેશર લાઇન ઉપર તેમજ સરદાર એસ્ટેટથી ડભોઇ એ.પી.એસ. તરફની ટ્રન્ક લાઇન ઉપર ભારણ વધશે, એટલે સરદાર એસ્ટેટ પંપીંગ સ્ટેશનથી કમલાનગર થઇને આજવા રોડ જંકશન સુધી નવી પ્રેશર લાઇન નાંખવામાં આવી રહી છે.

કોર્પોરેશનમાં એમપેનલ્ડ થયેલ કન્સલ્ટન્ટ દ્વારા સર્વે, ડિઝાઇન કરીને સરદાર એસ્ટેટ પંપીંગ સ્ટેશનથી ક્મલાનગર તળાવ રોડ જંકશન સુધી 500 મીમી ડાયામીટર અને ત્યાંથી કમલાનગર પંપીંગ સ્ટેશનની પ્રેશર લાઇન જોઇન્ટ થયા બાદ 600 મીમી ડાયામીટરની પ્રેશર લાઇન આજવા રોડ જંકશન ડ્રોપ ચેમ્બર સુધી નાંખવાનું નક્કી કરેલ છે. આ ડ્રેનેજ પાણીનો ફ્લો ગ્રેવીટી લાઇન મારફ્તે કપૂરાઈ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વહન થશે.