સાળંગપુરધામ ખાતે હનુમાન જયંતિના દિવસે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિશાળ હનુમાનજીની મુર્તિ અનાવરણ..

  • 7:13 pm March 21, 2023
વિપુલ લુહાર, બોટાદ

 

 

બોટાદ જીલ્લા બરવાળા તાલુકાનું નાનકડું ગામ સાળંગપુર કે જેમાં આજથી ૧૭૪ વર્ષ પહેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના અનાદી મૂળ અક્ષર મૂર્તિ સ.ગુ. ગોપાળાનંદ સ્વામીએ સને.૧૯૦૫ ના આસોવાદ-૫ ના દિવસે હનુમાનજી મહારાજની સ્થાપના કરી અને જે દેવને આધિ-વ્યાધિ-ભૂત-પ્રેત, વળગાડવાળા દુઃખીયાઓના દુઃખ દૂર કરવાનું કામ સોપ્યું અને દાદાએ તુરતજ લીધું. જેથી ગોપાળાનંદ સ્વામીએ આ સાળંગપુરના હનુમાનજીનું નામ "કષ્ટભંજનદેવ હનુમાનજી” રાખ્યું. જ્યાં આજની તારીખે પણ અનેક દુઃખીયારા દર્દીઓ રડતા-રડતા આવે છે અને સાળંગપુર આવ્યા પછી હસતા-હસતા થઈને જાય છે. આવા વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજના રૂડા આશીર્વાદથી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામી ગુરુ પુરાણી વિષ્ણુપ્રકાશદાસ સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી “હનુમાન જયંતી” એવં “કિંગ ઓફ સાળંગપુર-દિવ્ય અનાવરણ” તથા “કષ્ટભંજનદેવ ભોજનાલય-દિવ્ય ઉદ્ઘાટન” મહોત્સવ એવં મ્યુઝિક લાઇવ કોન્સર્ટ, લોકડાયરો, દાદાને અન્નકૂટ વિગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન  તા.05-06 એપ્રિલ 2023ના રોજ કરવામાં આવેલ છે.

મહોત્સવ અંતર્ગત તા.05 એપ્રિલ 2023ને બુધવારના રોજ સાંજે 4:30 કલાકે 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ “કિંગ ઓફ સાળંગપુર-દિવ્ય અનાવરણ” પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ તથા ધામોધામથી પધારેલ સંતોના સાનિધ્યમાં કરવામાં આવશે તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્રારા હનુમાનજી મહારાજનું પૂજન કરવામાં આવશે. રાત્રે 9:00 કલાકે “મ્યુઝિક લાઇવ કોન્સર્ટ” એવં “લોકડાયરો” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આદિત્ય ગઢવી લોકગાયક તથા નિર્મળદાન ગઢવી સાહિત્યકાર દ્વારા કિંગ ઓફ સાળંગપુરના પ્રાંગણમાં જમાવટ કરશે. 

તા.06 એપ્રિલ 2023ને ગુરુવારના રોજ સવારે 7 કલાકે  મંદિરના પરિસરમાં સમૂહ મારુતિયજ્ઞ પૂજન, દાદાનું ભવ્ય પ્રાત: પૂજન-આરતી દર્શન, અન્નકૂટ દર્શન,  હનુમાન જન્મોત્સવ, ગુજરાતના સૌથી મોટા “ કષ્ટભંજનદેવ ભોજનાલય”નું પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદહસ્તે  દિવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. સાથે સાળંગપુરધામ અનેક કાર્યક્રમોના ભવ્યાતિભવ્ય દિવ્ય દર્શન-આરતી-અન્નકૂટ દર્શન કરવા. તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા મહોત્સવમાં તમામ હરિભક્તોને પરિવાર સાથે પધારવા હનુમાનજી મંદીર પ્રસાશન દ્રારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.