ડાંગ જિલ્લામાં 2023નો માર્ચ મહિનો કમોસમી વરસાદ માટે ગણાશે રેકોડબ્રેક: સતત આઠમાં દિવસે વાદળછાયા વાતાવરણની વચ્ચે છૂટોછવાયો વરસાદ નોંધાયો..
- 8:02 pm March 21, 2023
દક્ષિણ ગુજરાતનાં ડાંગ જિલ્લામાં કમોસમી માવઠું દિન પ્રતિદિન ડાંગવાસીઓમાં ચિંતા વધારી રહ્યુ છે. ડાંગ જિલ્લામાં વર્ષ 2023નો માર્ચ મહિનો કમોસમી વરસાદ માટે રેકોડબ્રેક ગણાશે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા આઠ દિવસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક મધ્યમ તો ક્યાંક છૂટોછવાયો,તો ક્યાંક કરા સાથેનો તો ક્યાંક વીજળીનાં કડાકા ભડાકામાં કમોસમી માવઠું વર્તાતા ડાંગી ખેડૂતોને નિસાસા નાખવાનો વારો આવ્યો છે.ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ગામડાઓમાં મંગળવારે સવારનાં અરસામાં છૂટોછવાયો વરસાદ પડતા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી.ડાંગ જિલ્લાનાં મોટા ભાગનાં પંથકોમાં સતત આઠમા દિવસે સવારથી સાંજ સુધીમાં વાદળછાયા વાદળોનો ઘેરાવો જોવા મળ્યો હતો.
ડાંગ જિલ્લામાં સતત પડી રહેલા કમોસમી માવઠાનાં પગલે ડાંગી ખેડૂતોનાં ભીંડા, ફણસી, કારેલા, અન્ય શાકભાજી, કઠોળ, સ્ટ્રોબેરી સહિત આંબાનાં ફળને જંગી નુકસાન થયુ હતુ. ચાલુ વર્ષે ડાંગ જિલ્લાનાં ખેડૂતોનાં આંબાનાં ફળ પર મબલક પ્રમાણમાં આંબાનો મોર સહિત આંબાનાં ફળ બંધાયા હતા. પરંતુ સતત પડી રહેલા કમોસમી માવઠા તથા પવનનાં સુસવાટાએ આ મોર સહિત ફળને જમીનદોસ્ત કરી દેતા ડાંગવાસીઓને માથે હાથ દઈ નિસાસો નાખવાનો વારો આવ્યો છે.