વીર નર્મદ યુનિ.માં વિદ્યાર્થીઓને એક વર્ષ જૂનું પ્રશ્નપત્ર અપાયું, કોઇ કાર્યવાહી નહીં..!

  • 8:21 pm March 21, 2023
રિપોર્ટર- એજાજ શેખ

 

 

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)નો મસમોટો છબરડો આજે સામે આવ્યો. યુનિવર્સિટી દ્વારા બી.એ.ના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને એક વર્ષ જૂનું પ્રશ્નપત્ર અપાયું હતું.

યુનિવર્સિટીએ તમામ કોલેજને ઓનલાઈન પ્રશ્નપત્ર મોકલ્યા હતા. પ્રશ્નપત્ર એક વર્ષ જૂનું હોવાનું સામે આવ્યા બાદ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. યુનિવર્સિટીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓને જવાબ આપવાનું ટાળ્યું છે. 

હાલ યુનિવર્સિટીની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે શનિવારના દિવસે જ યુનિવર્સિટીએ ગંભીર છબરડો કર્યો હતો. જેમાં શનિવારના દિવસે BAના છેલ્લાં સેમેસ્ટરની પરીક્ષા હતી. જ્યારે વિદ્યાર્થીઓના હાથમાં પ્રશ્નપત્ર આવ્યું, ત્યારે વિદ્યાર્થીઓ આ પ્રશ્નપત્ર જોઈનો ચોંકી ગયા હતા. કારણ કે યુનિવર્સિટી દ્વારા એક વર્ષ જૂનું પ્રશ્નપત્ર મોકલવામાં આવ્યું હતું. 

યુનિવર્સિટીમાં દર છ મહિને અલગ અલગ 20 કોર્સની 200થી વધુ પરીક્ષા લેવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં લેવાયેલી પરીક્ષામાં અનેક છબરડા સામે આવ્યા છે છતાં યુનિવર્સિટી ઘોર નિદ્રામાં છે. પ્રશ્નપત્ર અંગે યુનિવર્સિટી પ્રશાસનના એકબીજાને ખો આપી રહ્યા છે. 

આ મામલે કોઇની સામે કાર્યવાહી કરવામાં આવી નથી. જવાબદાર અધિકારીઓ આ મામલે જવાબ આપવાનું ટાળી રહ્યાં છે. યુનિવર્સિટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે,​​આ બાબતે તપાસ કરાવીને રિપોર્ટ મંગાવ્યો છે. રિપોર્ટ આવ્યાં બાદ જે કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરાશે.