ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી: ભારતમાં ચોમાસું ૪ જૂનની આસપાસ કેરળમાં એન્ટર કરશે..
- 11:41 pm May 26, 2023
દેશમાં ચોમાસુ ૯૬ ટકા, રાજ્યમાં ૯૨%થી ઓછા વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતા નબળું રહી શકે
નવી દિલ્હી,
આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે. આઈએમડીએ જણાવ્યું કે, ભારતમાં ચોમાસું ૪ જૂનની આસપાસ કેરળમાં એન્ટ્ર થશે. આ વર્ષે ચોમાસું ૯૬ ટકા રહેવાનો અંદાજ છે. બીજી તરફ ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ૯૬% રહેવાનો અંદાજ છે. ચોમાસા દરમિયાન અલ નીનોની સંભાવના ૯૦% થી વધુ છે.
ગુજરાતમાં ચોમાસાને લઈને પણ આઈએમડીએ આગાહી કરી છે. ગુજરાતમાં ૯૨ ટકાથી ઓછા વરસાદની સંભાવના કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતા નબળું રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં હવે ગરમીથી લોકોને રાહત મળી શકે છે. તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. બીજી બાજુ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી ૨૮ અને ૨૯મી મેના રોજ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, આણંદ અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
દરિયામાં સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી દરિયાકાંઠે તથા આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. દરિયામાં માછીમારી કરવા જનારા માછીમારોને પણ ત્રણ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટÙ, કચ્છ સહિતના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે આ માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ૨૬ મેના રોજ ગુજરાતમાં ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયાકાંઠા વિસ્તારમાં ૬૫ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.
દેશના કેટલા રાજ્યમાં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદનું પણ એલર્ટ જારી કર્યું છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. હિમાચલમાં આંધી કરાવૃષ્ટિ અને ભારે પવન ફૂંકાવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલય ક્ષેત્રના હવામાનમાં પલટો આવ્યો છે. આજ રાજસ્થાનમાં પણ ધૂળભરી આંધી ફૂંકાઈ શકે છે, જ્યારે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદથી સંભાવના છે. આ દરમિયાન ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.