વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું
- 11:25 pm May 28, 2023
નવી દિલ્હી,
નવુ સંસદ ભવન ૧૪૦ કરોડ ભારતીયોની આકાંક્ષાઓ-સપનાઓનું પ્રતિબિંબ : પીએમ
આ નવું ભવન, આપણા સ્વતંત્રતા સેનાનીઓના સપનાઓને સાકાર કરવાનું માધ્યમ બનશે; આત્મનિર્ભર ભારતના સૂર્યોદયનું સાક્ષી બનશે : નરેન્દ્ર મોદી
દેશને રવિવારે નવું સંસદ ભવન મળી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું હતું. વિધિ વિધાન સાથે પૂજા થયા બાદ લોકસભામાં સ્પીકરના આસન પાસે સેંગોલ પણ સ્થાપિત કરાયું. આ અવસરે પીએમ મોદીએ ભારતીય ટપાલ વિઘાનની સ્મારક ટિકિટ બહાર પાડી અને ત્યારબાદ ભારતીય નાણા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા ૭૫ રૂપિયાના સિક્કાને પણ રિલીઝ કર્યો. પીએમ મોદીએ નવા સંસદ ભવનમાં આજે સંબોધન પણ કર્યું.
આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે દરેક દેશની વિકાસ યાત્રામાં કેટલાક પળ એવા આવે છે જે હંમેશા માટે અમર થઈ જાય છે. કેટલીક તારીખો સમયના લલાટ પર ઈતિહાસના અમિટ હસ્તાક્ષર બની જાય છે. આજે ૨૮મી મે ૨૦૨૩નો આ દિવસ આવો જ શુભ અવસર છે. દેશ આઝાદીના ૭૫ વર્ષ થવા પર અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આ અમૃત મહોત્સવમાં ભારતના લોકોએ પોતાના લોકતંત્રને સંસદના આ નવા ભવનની ભેટ આપી છે. આજે સવારે જ સંસદ પરિસરમાં સર્વપંથ પ્રાર્થના થઈ છે. હું તમામ દેશવાસીઓને ભારતીય લોકતંત્રના આ સ્વર્ણિમ ક્ષણની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું.
તેમણે કહ્યું કે આ નવું ભવન, આપણા સ્વતંત્રતા સેનાનીઓના સપનાઓને સાકાર કરવાનું માધ્યમ બનશે. આત્મનિર્ભર ભારતના સૂર્યોદયનું સાક્ષી બનશે. વિકસિત ભારતના સંકલ્પોની સિદ્ધિ થતા જાશે. આ નવું ભવન નૂતન અને પૂરાતનના સહ-અસ્તિત્વનું પણ આદર્શ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે આજનું આ નવું ભારત નવા લક્ષ્યાંક નક્કી કરી રહ્યું છે, નવા રસ્તા બનાવી રહ્યું છે. નવો જાશ છે, નવી ઉમંગ છે, નવી સફર છે નવી સોચ છે. દિશા નવી છે, દ્રષ્ટિ નવી છે. સંકલ્પ નવો છે. વિશ્વાસ નવો છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારત એક લોકતાંત્રિક રાષ્ટ્ર જ નહીં પરંતુ લોકતંત્રની જનની પણ છે. મધર ઓફ ડેમોક્રેસી પણ છે. ભારત આજે વૈશ્વિક લોકતંત્રનો પણ ખુબ મોટો આધાર છે. લોકતંત્ર આપણા માટે ફક્ત એક વ્યવસ્થા નથી, એક સંસ્કાર છે, એક વિચાર છે, એક પરંપરા છે.
પીએમ મોદીએ કહ્યું કે આઝાદીનો આ અમૃતકાળ દેશને નવી દિશા આપનારો અમૃતકાળ છે. અનંત સપનાઓ, અસંખ્ય આકાંક્ષાઓને પૂરા કરવાનો અમૃતકાળ છે. ગુલામી બાદ આપણા ભારતે ઘણું બધુ ગુમાવીને પોતાની નવી યાત્રા શરૂ કરી હતી. તે યાત્રા કેટલા ઉતાર ચઢાવથી પસાર થઈ, કેટલા પડકારોને પાર કરી આઝાદીના અમૃતકાળમાં પ્રવેશી છે. આઝાદીનો આ અમૃતકાળ વારસાને સંભાળતા, વિકાસને નવા આયામ આપવાનો અમૃતકાળ છે. આજથી ૨૫ વર્ષ બાદ ભારત પોતાની આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા કરશે. આપણી પાસે પણ ૨૫ વર્ષનો અમૃતકાળ ખંડ છે. આ ૨૫ વર્ષમાં આપણે મળીને ભારતને વિક્સિત રાષ્ટ્ર બનાવવાનું છે.
પીએમ મોદીએ કહ્યું કે આજે આ ઐતિહાસિક અવસર પર થોડીવાર પહેલા સંસદની નવી ઈમારતમાં પવિત્ર સેંગોલની પણ સ્થાપના થઈ છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે પણ આ સંસદ ભવનમાં કાર્યવાહી શરૂ થશે સેંગોલ આપણને બધાને પ્રેરણા આપતું રહેશે. તેમણે કહ્યું કે મહાન ચોલ સામ્રાજ્યમાં સેંગોલને કર્તવ્યપથના સેવાપથના રાષ્ટ્રપથનું પ્રતિક માનવામાં આવતું હતું. તેમણે કહ્યું કે રાજાદી અને આદીનમના સંતોના માર્ગદર્શનમાં આ સેંગોલ સત્તાના હસ્તાંતરણનું પ્રતિક હતું.