દેશના અનેક રાજ્યોમાં સપ્તાહ સુધી વરસાદી માહોલની આગાહી
- 10:09 pm May 29, 2023
- પ્રતિકાત્મક તસવીર
નવી દિલ્હી,
રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
દેશની રાજધાની દિલ્હી અને એનસીઆરમાં સોમવારે હવામાનમાં પલટો આવ્યો છે. બપોર પછી દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ સહિત ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા સમય દરમિયાન રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આ ઉપરાંત રાજસ્થાનના બીકાનેર, બુંદી, સવાઈ માધોપુર, જેસલમેર, જાધપુર, જયપુર, દૌસા, કરૌલી અને રાજસ્થાનઅને મધ્યપ્રદેશના ટોંક, રાજગઢ, વિદિશા, ભોપાલ, હરદા, બેતુલ, સાગર, રાઈસિન સિહોરમાં વરસાદની સંભાવના છે. ખાસ વાત એ છે કે દિલ્હી એન.સી.આર. સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં આગામી સપ્તાહમાં પણ વરસાદી માહોલ જારી રહેશે.
આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે પવન સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. હિમાચલમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા, જ્યારે અન્ય વિસ્તારોમાં કરા અને વરસાદની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી આવી જ સ્થિતિની અપેક્ષા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર યુપીમાં વાદળછાયા વાતાવરણને કારણે લોકોને ગરમીથી રાહત મળશે. આગામી પાંચ દિવસ દરમિયાન આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે. બીજી તરફ બિહારમાં એક-બે જગ્યાએ હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.